હવે ગર્ભવતી મહિલાઓને અમેરિકા જવું મુશ્કેલ બની શકે તેમ છે. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન વિઝા પર નવી પાબંદીઓ મૂકવા જઇ રહ્યું છે. જે અંતર્ગત આવી મહિલાઓ પર પ્રતિબંધ લાગી શકે છે જે જન્મ આપવા માટે અમેરિકા જવા માગે છે જેથી તેના બાળકોને અમેરિકી પાસપોર્ટ મળી જાય. આ ઘટનાક્રમથી માહિતગાર અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદેશ વિભાગ ગુરુવારે નિર્ણય જાહેર કરશે.
આ નવા નિયમથી ગર્ભવતી મહિલાઓ માટે પર્યટન વિઝા પર યાત્રા કરવું કઠિન બનશે. નિયમના એક મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે તેમણે વિઝા હાંસલ કરવા માટે કાઉન્સીલર ઓફિસરને સમજાવવા પડશે કે અમેરિકા આવવા માટે તેણે વ્યાજબી કારણ આપવું પડશે. પ્રશાસન ઇમીગ્રેશનના દરેક સ્વરુપોમાં પાબંદી લગાવી રહ્યું છે પરંતુ ટ્રમ્પે ખાસ કરીને ‘જન્મજાત નાગરિકતા’ મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે.
આ નિયમથી બિન અમેરિકી નાગરિકોના બાળકોને અમેરિકામાં જન્મ લેવાની સાથે મળતી નાગરિકતાનો અધિકાર ખતમ કરવાનો છે.ઉલ્લેખનીય છે કે અમેરિકા અને વિદેશમાં ‘બર્થ ટુરીઝમ’ ઘણું ફૂલીફાલી રહ્યું છે. અમેરિકી કંપનીઓ તેના માટે વિજ્ઞાપન પણ આપે છે અને હોટેલનાં રુમમાં ચિકિત્સા વગેરે માટે 80 હજાર ડોલર સુધી વસૂલે પણ છે. રશિયા અને ચીનમાંથી અનેક મહિલાઓ માત્ર બાળકના જન્મ આપવા માટે અમેરિકા આવે છે. જો કે અમેરિકામાં ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ અમેરિકા આ પ્રકારના ચલણ સામે પગલાં લઇ રહ્યું છે.