અમેરિકામાં વિદેશી કુશળ કામદારોના પ્રવેશને નિયંત્રિત કરતાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરિકાની કંપનીઓને આશરે 100 બિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે, એમ એક અભ્યાસમાં જણાવાયું છે.
ટ્રમ્પે 22 જૂને એક્ઝિક્યુટિવ ઓર્ડરને જારી કરીને 31 ડિસેમ્બર સુધી નવા H-1B અને L-1 વિઝા ઇશ્યૂ કરવા પર હંગામી પ્રતિબંધ મૂક્યો હતો. આ સપ્તાહે જારી થયેલા બ્રુકિંગ ઇન્સ્ટીટ્યૂટના રિપોર્ટ મુજબ આ આદેશથી ફોર્ચ્યુન-500 કંપનીઓના વેલ્યુએશનમાં આશરે 100 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. H-1B વિઝાનો ભારતના આઇટી પ્રોફેશનલ મોટા પાયે ઉપયોગ કરે છે. તેનાથી અમેરિકાની કંપનીઓ વિશેષ ઓક્યુપેશન માટે વિદેશી કામદારો લાવી શકે છે. L-1 વિઝા કંપનીના આંતરિક ટ્રાન્સફર માટેના વિઝા છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ટ્રમ્પના આદેશથી આશરે 200,000 વિદેશી કામદારો અને તેમના આશ્રિતો અમેરિકામાં આવી શક્યા નથી. આવા નોન ઇમિગ્રન્ટ વિઝાથી કંપનીઓને ઊંચી કુશળતા ધરાવતા ઇમિગ્રન્ટની ભરતી કે ટ્રાન્સફરમાં મદદ મળે છે. સ્કીલ્ડ ઇમિગ્રેશનથી કંપનીના નફો, ઉત્પાદકતા, ઉત્પાદન વિસ્તરણ, ઇનોવેશન અને રોકાણ જેવી બાબતને પોઝિટિવ અસર થાય છે. ઇમિગ્રેશન પર નિયંત્રણો મુકતા ટ્રમ્પ વહીવટીતંત્રના પગલાંથી અમેરિકાની કંપનીઓને લાંબાગાળાની નેગેટિવ અસર થશે. તેનાથી કોરોના વાઇરસથી અર્થતંત્રની રિકવરીમાં વિલંબ થશે.
દરમિયાન અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલે 23 ઓક્ટોબરે જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓ અને એક્સ્ચેન્જ વિઝિટર્સના એડમિશન પીરિયડને મર્યાદિત કરતાં હોમલેન્ડ ડિપાર્ટમેન્ટના સૂચિત નિયમથી સાયન્સ અને ટેકનોલોજીના ઇનોવેશનમાં અમેરિકાના મોખરાના સ્થાન સામે જોખમ આવશે. આ દરખાસ્તથી અમેરિકન કોલેજ અને યુનિવર્સિટીને લાંબા ગાળાની નેગેટિવ અસર થશે.