યુએસએ વિદ્યાર્થીઓ અને કામદારો સહિત ઘણા વિઝા અરજદારો માટે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી ભારતમાં તેના દૂતાવાસોમાં ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવાની આવશ્યકતામાં છૂટ આપી છે. અમેરિકાના એક વરિષ્ઠ રાજદ્વારીએ ભારતીય સમુદાયના નેતાઓને આ માહિતી આપી હતી.
જે અરજદારોને મુક્તિ આપવામાં આવી છે તેમાં વિદ્યાર્થીઓ (F, M અને શૈક્ષણિક J વિઝા), કામદારો (H-1, H-2, H-3 અને વ્યક્તિગત L વિઝા), સંસ્કૃતિ અને અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો (O, P અને Q વિઝા) નો સમાવેશ થાય છે.
દક્ષિણ એશિયાના સમુદાયના નેતા અને યુએસ પ્રમુખ જો બિડેનના એશિયન અમેરિકનોના સલાહકાર અજય જૈન ભુટોરિયાએ દક્ષિણ મધ્ય એશિયાના સહાયક વિદેશ પ્રધાન ડોનાલ લુ સાથેની મુલાકાત પછી જણાવ્યું હતું કે, વિઝા અરજદારોને આ સહયોગની ખૂબ જ જરૂર હતી. તે અમારા મિત્રો અને નજીકના પરિવારના સભ્યો માટે ખૂબ જ મદદરૂપ થશે અને તેમની ઘણી ચિંતાઓ અને અસુવિધાઓ દૂર થશે.ભુટોરિયાએ શુક્રવારે કેલિફોર્નિયાના સિલિકોન વેલી ખાતે લુ સાથેની બેઠકમાં વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીની વેબસાઇટ પર પ્રકાશિત એક નોટિસ અનુસાર, નવી દિલ્હીમાં યુએસ એમ્બેસી અને તેના ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાંના વાણિજ્ય દૂતાવાસની વેબસાઈટ પર અરજદારોને ઇન્ટરવ્યૂ મુક્તિનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે 2022 માટે 20,000થી વધુ ‘વધારાની છૂટ (ડ્રૉપબૉક્સ) એપોઇન્ટમેન્ટ’ જારી કરશે.