રાજદ્વારી સ્ટાફની સંખ્યા એકસમાન રાખવાના ભારત અને કેનેડા વચ્ચેના વિવાદમાં અમેરિકા અને યુકેએ કેનેડાને સમર્થન આપીને ભારતને તેના નિર્ણયની પુનર્વિચારણા કરવાનો અનુરોધ કર્યો હતો. આ મુદ્દે બંને દેશોએ પણ લગભગ એકસમાન નિવેદન જારી કરીને ભારત પર વિયેના સંઘિનો ભંગ કરવાનો આક્ષેપ કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટોનો હાથ હોવાના કેનેડાના વડાપ્રધાનના વિસ્ફોટક આક્ષેપ પછી ભારતે કેનેડાને તેના સ્ટાફમાં ઘટાડો કરવાની તાકીદ કરી હતી અને આ પછી કેનેડાએ તેના 41 રાજદ્વારી પાછા બોલાવી લીધા હતા.
યુકે અને યુએસએ અનુરોધ કર્યો હતો કે ભારત કેનેડાને તેના ડિપ્લોમેટ્સની સંખ્યા ઘટાડવાનો આગ્રહ ના કરે. ભારતની તાકીદ પછી પર કેનેડાએ 62માંથી 41 ડિપ્લોમેટ્સને હટાવી લેતાં યુએસ-યુકેએ ચિંતા વ્યક્ત કરી હતી.
યુકે સરકારે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે “મતભેદો દૂર કરવા માટે કમ્યુનિકેશન થવું જરૂરી છે અને તેના માટે બંને દેશોની રાજધાની ખાતે ડિપ્લોમેટ્સની હાજરી જરૂરી છે. ભારત સરકારે લીધેલા નિર્ણયના કારણે કેનેડિયન ડિપ્લોમેટ્સને ભારત છોડવાની ફરજ પડી છે. ભારત સરકારના આ નિર્ણય સાથે અમે સહમત નથી.”
બ્રિટનનું કહેવું છે કે, 1961ના વિયેના કન્વેન્શન અંતર્ગત બધા જ દેશોએ પોતાના ડિપ્લોમેટિક સંબંધો જાળવી રાખવા જોઈએ. “રાજદ્વારીઓનું રક્ષણ કરતાં વિશેષાધિકારો અને ઈમ્યુનિટીઝને એકપક્ષીય રીતે દૂર કરવી તે વિયેના કન્વેન્શનના સિદ્ધાંતો અથવા અસરકારક કામગીરી સાથે સુસંગત નથી.
અમેરિકાએ પણ કેનેડિયન ડિપ્લોમેટ્સના ભારત છોડવા અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “મતભેદોને દૂર કરવા માટે રાજદ્વારીઓની જરૂર પડે છે. ભારત સરકારને અમારી વિનંતી છે કે, તેઓ કેનેડાના રાજદ્વારીઓને દૂર કરવાનો આગ્રહ ના રાખે અને કેનેડામાં હાલ જે તપાસ ચાલી રહી છે તેમાં સહકાર કરે. ભારત રાજદ્વારી સંબંધો પર 1961ના વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરે.”ભારત સરકારનું વલણ છે કે ભારતે ડિપ્લોમેટિક સ્ટાફની સમાનતાનો અમલ કર્યો છે. તેનાથી કોઇ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન થતું નથી.