વિશ્વમાં સૌથી વધુ સૈન્ય શક્તિ કોની પાસે છે તે અંગે તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. વૈશ્વિક સંરક્ષણ સંબંધિત માહિતી ધરાવતી વેબસાઇટ-ગ્લોબલ ફાયરપાવરના એક રીપોર્ટ મુજબ અમેરિકા પાસે સૌથી શક્તિશાળી સેના છે, ત્યાર પછી રશિયા, ચીન અને ચોથા સ્થાને ભારત છે, જ્યારે સાઉથ કોરીયા પાંચમા અને યુકે છઠ્ઠા ક્રમે છે. આ ઉપરાંત જાપાન સાતમા, તુર્કી આઠમા, પાકિસ્તાન નવમા અને ઇટલી 10મા સ્થાને છે. ગ્લોબલ ફાયરપાવરના મિલિટરી સ્ટ્રેંથ રેન્કિંગ્સ 2024ના રીપોર્ટમાં 145 દેશોનું સૈન્ય શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં સૈનિકોની સંખ્યા, લશ્કરી સાધનો, નાણાકીય સ્થિરતા, ભૌગોલિક સ્થળ અને ઉપલબ્ધ સંસાધનો જેવા 60 વધુ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જ્યારે સૌથી નબળા દેશોમાં ભૂતાન, મોલ્ડોવા, સુરિનામ, સોમાલિયા, બેનીન, લાઇબેરિયા, બેલિઝ, સીએરા લિઓન, સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક અને આઇસલેન્ડનો સમાવેશ થાય છે.
આ મુદ્દા પાવરઇન્ડેક્સ ક્રમાંક નક્કી કરે છે, જેમાં નીચો ક્રમાંક મજબૂત સૈન્ય ક્ષમતાઓ દર્શાવે છે. આ રીપોર્ટમાં 145 દેશોનો સમાવેશ થાય છે અને દરેક દેશનો ક્રમ દર વર્ષે કેવી રીતે બદલાય છે તેની પણ તેમાં તપાસ કરવામાં આવે છે.