અમેરિકા આગામી થોડા સમયમાં અમદાવાદ ખાતે કોન્સ્યુલેટ શરૂ કરશે તેવી જાહેરાતને ગુજરાતીઓએ વધાવી લીધી છે. આ નિર્ણય પછી ગુજરાતીઓને અમેરિકાના વિઝા લેવા માટેના ખર્ચમાં ઘટાડો થશે અને સમય પણ ઓછો વેડફાશે તેમ જાણકારોનું માનવું છે.
મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ, હૈદરાબાદ, દિલ્હી જેમ ગુજરાતમાં પણ અમેરિકન કોન્સ્યુલેટ શરૂ કરવાની છેલ્લા ૧૫ વર્ષ કરતાં વધુ સમયથી માગણી થઇ રહી હતી. આખરે હવે આ માગણી ઉપર મંજૂરીની મહોર લાગી છે, જેના કારણે અમેરિકા જવા માગતા ગુજરાતીઓને ખૂબ જ ફાયદો થશે. જાણકારોનું માનવું છે કે, ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ બે લાખથી વધુ લોકો વિઝિટર વિઝા ઉપર અમેરિકા જતા હોય છે. આ ઉપરાંત અન્ય કેટેગરીના વિઝા પણ ગણવામાં આવે તો દર વર્ષે અમેરિકા જતા ગુજરાતીઓનો આંકડો ચાર લાખથી વધુનો રહેતો હશે. આટલી મોટી સંખ્યામાં ગુજરાતીઓ અમેરિકા જતાં હોવા છતાં ગુજરાતમાં જ અમેરિકન કોન્સ્યુલેટ નહીં હોવાથી તેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો.
મોટાભાગના ગુજરાતીઓ હાલ અમેરિકાના વિઝા માટે મુંબઇ ખાતે આવેલી અમેરિકન કોન્સ્યુલેટમાં જતા હોય છે. ત્યાં એક દિવસ બાયોમેટ્રિક અને એક દિવસ ઈન્ટરવ્યુ – એમ બે દિવસથી વધુનો સમય તેમને આપવો પડતો હોય છે. જેના કારણે અમેરિકાના વિઝા માટે અરજી કરનારા પ્રત્યેક ગુજરાતીને મુસાફરી, રહેવા સહિત સરેરાશ રૂપિયા ૨૫ હજારથી વધુનો ખર્ચ કરવો પડતો હતો. હવે તેમના આ ખર્ચમાં ઘટાડો થશે.