ભારતમાં અમેરિકન કોન્સ્યુલર ટીમે 13મી જૂનના રોજ માત્ર એક જ દિવસમાં 8મા વાર્ષિક સ્ટુડન્ટ વિઝા ડે દરમિયાન 3900 સ્ટુડન્ટ વિઝાના અરજદારોનો ઈન્ટરવ્યૂ લીધા હતા, જે ભારતીયોમાં યુએસ મિશનને સ્ટુડન્ટ વિઝાની તીવ્ર માગ દર્શાવે છે.
ભારતમાં અમેરિકન એમ્બેસેડર, એરિક ગાર્સેટીએ તમામ ભારતીય વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા વ્યકત કરતાં કહ્યું હતું કે, આ દરેક વિદ્યાર્થીઓ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છે અને યુએસ-ભારત સંબંધોને આગળ લઈ જઈ રહ્યા છે. ગત વર્ષે ભારતમાંથી 1,40,000 સ્ટુડન્ટ વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા. અત્યારે અમેરિકામાં દર ચારમાંથી એક વિદ્યાર્થી ભારતનો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2023માં, ભારતમાં કાર્યરત યુએસ મિશને 2018, 2019 અને 2020ની સંયુક્ત સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થી વિઝા ઇસ્યુ કર્યા હતા.
ભારતમાં કાર્યરત યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ્સ ત્યાંથી સ્ટુડન્ટ વિઝાના અરજદારોમાં સતત વધારાની અપેક્ષા રાખે છે અને આ વધતી માગને પૂર્ણ કરવા માટે 2024 માટે સ્ટુડન્ટ વિઝા સીઝનનો સમયગાળો વધાર્યો છે.
એમ્બેસીએ જણાવ્યું હતું કે, “ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકાને પ્રાથમિકતા આપે છે. જુદા જુદા સર્વે દર્શાવે છે કે, 69 ટકા ભારતીય વિદ્યાર્થીઓ શિક્ષણ માટે અન્ય કોઈપણ દેશ કરતાં અમેરિકાને વધુ પસંદ કરે છે.”
સાંસ્કૃતિક અને શૈક્ષણિક બાબતોના કોન્સ્યુલર, ડેવિડ મોયરે જણાવ્યું હતું કે, “અમે વિઝા ઇચ્છુક મહિલાઓને વધુ પ્રોત્સાહિત કરીશું અને અત્યારે અમેરિકામાં ત્રણ અરજદાર ભારતીય વિદ્યાર્થીઓમાંથી એક મહિલા છે. આ સંખ્યા 50-50ની સ્થિતિમાં હોય તેવું જોવાનું અમને ગમશે.”

LEAVE A REPLY