અમેરિકાને આ વર્ષે ભારતના વિદ્યાર્થીઓને વિક્રમજનક સંખ્યામાં વિઝા ઇશ્યૂ કરવાની ધારણા છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતના 62,000 વિદ્યાર્થીઓને વિઝા ઇશ્યૂ કર્યા હતા, જે એક રેકોર્ડ હતો. આ વર્ષે અમેરિકાના દુતાવાસે સ્ટુડન્ટ વિઝા માટે એક લાખ એપોઇન્ટમેન્ટ આપી છે.
યુએસ એમ્બેસીમાં સ્ટુડન્ટ વિઝા-ડે અંગે સંબોધન કરતા અમેરિકાના ચાર્જ દ-અફેર્સ પેટ્રિશિયા લેસિનાએ જણાવ્યું હતું કે કોરોના મહામારી હોવા છતાં મિશન ઇન્ડિયાએ 2021માં અત્યાર સુધીના સૌથી વધુ સ્ટુડન્ટ વિઝા જારી કર્યા હતા. આ વર્ષે પણ અમને વધુ એક વિક્રમજનક સ્ટુડન્ટ સિઝનની ધારણા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા તેની શિક્ષણ સંસ્થાઓ અને સમુદાયોમાં તેમના સમૃદ્ધ યોગદાનને મૂલ્યવાન ગણે છે. ખાસ કરીને ભારત માટે આ બાબત સાચી છે. અમેરિકામાં આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો બીજા ક્રમે સૌથી વધુ છે.
ભારત ખાતેના અમેરિકાના મિશને મંગળવારે તેના છઠ્ઠા વાર્ષિક સ્ટુડન્ટ વિઝા ડેની ઉજવણી કરી હતી. દુતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં અમેરિકાની એમ્બેસી તથા ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકતા અને મુંબઈ ખાતેના કોન્સ્યુલેટ જનરલે આશરે 2,500થી વધુ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ કર્યા છે. કોન્સ્યુલર અફેર્સ માટેના પ્રધાનના કાઉન્સિલર ડોન હેફ્લિને જણાવ્યું હતું કે અમે આ સમર સિઝનમાં વિઝા માટે વધુ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં છે. અમે ગયા વર્ષેના 62,000 સ્ટુડન્ટ વિઝાના રેકોર્ડને વટાવી જવાની આશા છે. અમે વિઝા માટે આજે ઘણા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ કરી રહ્યાં છે. અમે જોરદાર પ્રારંભ કર્યો છે. આ વર્ષે એમ્બેસી સ્ટુડન્ટ વિઝા માટે 1 લાખ એપાઇન્ટમેન્ટ આપી છે.
આ વર્ષે અમેરિકાની શિક્ષણ સંસ્થાઓમાં આશરે 2 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે, જે હાલમાં અમેરિકામાં કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આશરે 20 ટકા થાય છે.