ભારતીય સ્ટૂડન્ટને વીઝા આપવા મામલે આ વર્ષે અમેરિકાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારત ખાતે યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) મિશને સોમવારે જાહેર કર્યું હતું કે તેની એમ્બેસી કચેરી અને કોન્સ્યૂલેટ કચેરીઓએ 2021ના વર્ષમાં અત્યાર સુધી 55 હજાર ભારતીય વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરથી શરૂ થતાં ફોલ (પાનખર) સેમિસ્ટર માટે સ્ટુડન્ટ વીઝા આપ્યા હતા જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
સમગ્ર વિશ્વમાં કોવિડની મહામારી ફેલાયેલી હોવા છતાં અમે આટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને વીઝા આપ્યા હતા એમ મિશન દ્વારા બહાર પાડવામાં આવેલી એક સત્તાવાર અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું.
ભારતમાં અમેરિકાના રાજદૂત અતુલ કેશપે કહ્યું કે, અમેરિકામાં અભ્યાસથી ભારતના વિદ્યાર્થીઓને ગ્લોબલ સ્તર પર સમજને વિકસાવવામાં મદદ મળવા ઉપરાંત તેનાથી અમેરિકાને પણ તેની પ્રતિભાનો લાભ થાય છે. તે બંને દેશોના સંબંધોને પણ મજબૂત કરે છે.
આ વર્ષે કોવિડની બીજી લહેરના કારણે સ્ટૂડન્ટ વીઝા આપવાનું કામ મેની જગ્યાએ બે મહિના મોડું જુલાઈમાં શરૂ થયું. અમેરિકાની એમ્બેસીના અધિકારીઓ મુજબ, બે મહિના મોડું થવાથી અરજીઓનું દબાણ વધી ગયું હતું, પરંતુ દરરોજ એક કલાક વધારે કામ કરી બધી અરજીઓનો નિકાલ કરવા ઉપરાંત આ વર્ષે નવો રેકોર્ડ બનાવાયો. અમેરિકામાં લગભગ 4500 શૈક્ષણિક સંસ્થાઓઓમાં એડમિશન માટે ભારતના સ્ટૂડન્ટને વીઝા અપાય છે.