કોરોના મહામારીને કારણે વિશ્વભરના દેશોનe અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. આ સંજોગોમાં લોકોને મદદરૂપ થવા માટે અમેરિકન સેનેટે 900 બિલિયન ડોલરના કોરોના રાહતના બીજા પેકેજની મંજૂરી આપી છે. આ પેકેજ હેઠળ બેરોજગારોને દર અઠવાડિયે 300 ડોલર અને જરૂરતમંદ લોકોને 600 ડોલરની સહાયત આપવામાં આવશે. નવી જોગવાઇઓ મુજબ સૌથી વધુ અસર પામેલા બિઝનેસીઝ, શાળાઓ અને આરોગ્ય સેવાઓને પણ મદદ કરાશે.
અમેરિકામાં કોંગ્રેસના સભ્યો વચ્ચે રવિવારે 900 બિલિયન ડોલરના રાહત પેકેજ માટે સંમતિ સધાઇ હતી. આ રકમનો ઉપયોગ કોરોના વાઇરસ મહામારી દરમિયાન સૌથી ખરાબ રીતે અસર પામેલા બિઝનેસીઝ અને જરૂરતમંદ લોકોને મદદ કરવા અને રસી ઉપલબ્ધ કરાવવા માટેની ઝુંબેશમાં કરાશે.
ઉલ્લેખનીય છે કે, આ રાહત પેકેજ માટે અંગે લાંબા સમયથી ચર્ચા થતી હતી. કોરોના વાઇરસ મહામારીના કારણે અસર પામેલા લોકોને મદદ કરવા અને અર્થતંત્રમાં ગતિ લાવવાના ઇરાદે પદનામિત પ્રેસિડેન્ટ જો બાઈડેને આ સમજૂતી લાગુ કરવાના કરવાની તરફેણમાં હતા. રીપબ્લિકન સેનેટ નેતા મિચ મેકકોન્નેલે રાહત પેકેજ સંબંધિત વિધેયક પર સમજૂતીની જાહેરાત કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ અમેરિકન લોકો માટે વધુ એક અને મોટું રાહત પેકેજ હશે. આ મહામારી દરમિયાન આર્થિક સમસ્યાઓ સામે લડી રહેલા અમેરિકાના એ લોકોની મદદ માટે છે જેઓ લાંબા સમયથી તેની રાહ જોઇ રહ્યા હતા. સેનેટ માઇનોરિટી નેતા ચક શુમરે રાહત પેકેજના કરારની પુષ્ટી કરી હતી અને જણાવ્યું હતું કે, રાહત પેકેજ અંગેની અડચણો શનિવારે રાત્રે દૂર થઇ ગઇ હતી.
કોંગ્રેસ રવિવારની મધ્યરાત સુધી કાર્યરત હતી. સરકારી કામકાજ બંધ કરવું ન પડે તે માટે અમેરિકન લોકો અને કંપનીઓને સહાય અને 2021 ના ફેડરલ બજેટ પર બંને વચ્ચે સર્વસંમતિની જરૂરી હતી.
શુમર અને પેલોસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાઉસ આ કાયદો તાત્કાલિક ધોરણે પસાર કરવા માટે ઝડપથી આગળ વધશે, તેથી તે સેનેટ અને પછી પ્રેસિડેન્ટને સહી કરવા મોકલી શકાય. ‘દરરોજના વધતા કેસીઝ અને મૃત્યુની ભયાનકતા વચ્ચે આ સમય બગાડવા જેવો નથી.
વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા મુજબ નવા કરારમાં કોંગ્રેસની મંજૂરી વગર ઇમરજન્સી લેન્ડિંગ પ્રોગ્રામ્સ શરૂ કરવા સેન્ટ્રલ બેંકની ક્ષમતા જાળવી રાખવાની અપેક્ષા છે, પરંતુ ફેડરલને આ વર્ષના અંતમાં સમાપ્ત થતાં એકવારના કેર્સ એક્ટના પ્રોગ્રામ ફરીથી શરૂ કરવા મંજૂરીની જરૂર પડશે.
રીપબ્લિકન્સે બિઝનેસીઝ તથા અન્ય સંસ્થાઓને ધિરાણ આપવા ફેડરલની ક્ષમતા મર્યાદિત કરવાની માગણી કરી હતી, તેમણે એવો દાવો કર્યો હતો કે ડેમોક્રેટ્સ તેમના નિયંત્રણ હેઠળના રાજ્ય અને સ્થાનિક સરકારો માટે ‘સ્લશ ફંડ’ બનાવવા માટે કાયદાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે.
ડેમોક્રેટ્સે દલીલ કરી હતી કે બેંકની સત્તાઓ મર્યાદિત કરવાથી નાણાંકીય કટોકટી ઉભી થઈ શકે છે અને નવા જો બાઈડન એડમિનિસ્ટ્રેશનને નબળા અમેરિકન અર્થતંત્રને વેગ આપવા માટેની ક્ષમતામાં અવરોધ આવી શકે છે.
ડેમોક્રેટ્સ અને રીપબ્લિકન મહિનાઓની આ બીજી રાહત યોજના અંગે સંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળતાને કારણે એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે અને રવિવારે પેકેજની સંમતિ પછી પણ તેમની વચ્ચે વિવાદ યથાવત્ રહ્યો હતો.
અમેરિકામાં મહામારીને કારણે કેસીઝ અને મૃત્યુઆંકમાં વધારો થતો રહ્યો હોવા છતાં, છેલ્લા બે સપ્તાહમાં બેકારીની સંખ્યામાં વધારો થતાં અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો નોંધાયો છે.
માર્ચમાં પસાર થયેલું પ્રારંભિક 2.2 ટ્રિલિયન ડોલરનું પેકેજ વધુ તીવ્ર આર્થિક મંદી રોકવા માટે અપાયું હતું. તેમાં અમેરિકન કંપનીઓને બચાવવા મોટી રકમ – 377 બિલિયન ડોલર નાના ઉદ્યોગોને વર્કર્સને ચૂકવણી કરવા અને ભાડા આપવા માટે, 500 બિલિયન ડોલર મોટા ઉદ્યોગો અને રાજ્યોને લોન આપવા તથા લગભગ 600 બિલિયન ડોલરના કરવેરા માટેના ફંડનો સમાવેશ થાય છે. પરંતુ સમીક્ષકોએ કહ્યું કે મોટી સહાય મોટી કંપનીઝને મળી છે અને સામાન્ય અમેરિકનો તથા નાના ઉદ્યોગોને યોગ્ય સહાય મળી નથી. બુધવારે, ફેડના ચેરમેન જેરોમ પોવેલે વધુ જોખમ પર ભાર મૂક્યો હતો કે નવી ફેડરલ સહાય વગર અસંખ્ય નાના ઉદ્યોગો નાશ પામશે.