અમેરિકી રાજ્ય ટેનિસીમાં મંગળવારે વહેલી સવારે ટોર્નેડો ત્રાટકતા વિનાશનું તાંડવ જોવા મળ્યું હતું. ટેનેસીના નેશવિલેમાં ટોર્નેડો ત્રાટકવાના કારણે 21 લોકોએ જીવ ગુમાવ્યો છે તો 150થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.
ઉપરાંત એવા કેટલાય લોકો છે હજું પણ ગુમ છે. મધ્ય ટેનેસીમાં ઉપરા ઉપર બે ટોર્નોડો ત્રાટક્યા હતા, જેમાં એક તો સુપરસેલ હતો. જેની ગણતરી અતિ ખતરનાક ટોર્નેડો તરીકે થાય છે. ઉપરા ઉપર ત્રાટકેલા આ બે ટોર્નેડોના કારણે 50 જેટલી ઇમારત ધરાશયી થયા છે.
ટોર્નડોને કારણે વીજળીનું તંત્ર સંપૂર્ણ ખોરવાયું છે. 50 હજારથી પણ વધારે લોકો હાલ અંધારામાં છે. નેશવેલેમાં ચાર ઇલેક્ટ્રિક સબ સ્ટેશનને મોટાપાયે નુકસાન થયું છે. પોલીસ અને ફાયર ફાઇટર્સ દ્વારા હાલ બચાવ અભિયાન ચાલી રહ્યું છે.
ઇમારતના કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે, જેની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રસ્તા પર અનેક વૃક્ષો ધરાશયી થયા છે, તો અનેક ઘરના છાપરાઓ પણ ઉડીને રોડ પર આવી ગયા છે. તો વળી કેટલાય મકાનોની દિવાલો પણ પડી ગઇ છે.
નેશવેલેના મેયરે જણાવ્યું છે કે આ દ્રશ્યો ખરેખર કાળજુ કંપાવનારા છે. અમે અમારા અનેક લોકોને ગુમાવ્યા છે. શાળાઓ, ઓફિસા, ટ્રેન વગેરે બધુ જ સ્થગિત કરાયું છે. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. મધ્ય ટેનિસીમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.