સિલિકોન વેલી સ્થિત નામાંકિત ભારતીય અમેરિકન લોકોના એક સમુહે ન્યાય વિભાગ અને એફબીઆઇ તેમજ પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથેની એક સ્પેશિયલ મીટિંગમાં જણાવ્યું હતું કે અમેરિકાની ધરતીનો ઉપયોગ ભારત વિરોધી ત્રાસવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો છે.
કેલિફોર્નિયામાં હિન્દુ સમુદાય વિરુદ્ધ વધી રહેલા ઘૃણાના અપરાધો (હેટ ક્રાઈમ) ની પૃષ્ઠભૂમિમાં ગત સપ્તાહે સમુહે ન્યાય વિભાગ, એફબીઆઇ અને પોલીસના અધિકારીઓ સાથે આ બેઠક કરી હતી. બેઠક દરમિયાન ભારતીય
અમેરિકનોએ આ વાતે પોતાની નારાજગી અને અસંતોષ વ્યક્ત કર્યો હતો કે અમેરિકાની કાયદાનો અમલ કરાવતી એજન્સીઓ ભારતમાં ત્રાસવાદી ગતિવિધિઓને સાથ આપનારા લોકો વિરુદ્ધ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવા સમર્થ નથી.
હિન્દુઓ અને જૈનોનાધર્મસ્થાનો વિરુદ્ધ વધી રહેલા ઘૃણા અપરાધોના પડકારજનક મુદ્દાના ઉકેલ માટે સામુદાયના નેતા અજય જૈન ભુટોરિયાની પહેલથી એક બેઠક યોજાઇ હતી. એ બેઠકમાંબે ડઝન જેટલા નામાંકિત ભારતીય અમેરિકનો હાજર રહ્યા હતા. અમેરિકન ન્યાય વિભાગના સામુદાયિક સંબંધ સેવા વિભાગના વિન્સેન્ટ પ્લેયર અને હરપ્રીત સિંઘ મોખા, એફબીઆઇ અધિકારીઓ અને સાન ફ્રાન્સિસ્કો, મિલ્ટિપાસ, ફ્રિમોન્ટ અને નેવાર્ક પોલીસ વિભાગના અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
ભારતીય અમેરિકનોએ મીડિયાની હાજરીથી દૂર રખાયેલી આ બેઠક બાદ કહ્યું હતું કે,‘ભારતીય અમેરિકનો અને ખાસ કરીને હિન્દુ સમુદાય વિરુદ્ધ ઘૃણા અપરાધોમાં ઓચિંતી આવેલી વૃદ્ધિને કારણે સમુદાયમાં ભય અને ઉચાટનું વાતાવરણ છે. સમુદાય હાલ ભયભીત છે.ખાલિસ્તાની તત્વો શાળાઓ, ભારતીયોના ગ્રોસરી સ્ટોર્સ બહાર પોતાના ટ્રક પાર્ક કરે છે અને યુવા ભારતીય અમેરિકનોને દબડાવે છે.
સમુદાયના કેટલાક સભ્યોએ આ બાબતે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો કે સાન ફ્રાન્સિસ્કો ખાતે ભારતીય એલચી કચેરીને સળગાવવાનો પ્રયાસ કરનારા લોકો સહિત આવા લોકો સામે પગલા ભરવામાંકાયદાનો અમલ કરાવનારી એજન્સીઓનિષ્ફળ રહી છે, અને તેઓ ખુલ્લેઆમ ભારતીય રાજદ્વારીઓને ધમકાવી રહ્યા છે તેમજ ખુલ્લેઆમ ભારતમાં ત્રાસવાદી ઘટનાઓ ફેલાવવા આહવાન કરી રહ્યા છે.
બેઠકમાં હાજર રહેલા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે,‘તેઓને અમેરિકામાં ખાલિસ્તાની ચળવળની કોઇ જાણકારી નથી. તેમણે સાથે જ કહ્યું હતું કે તેઓ કાર્યવાહી કરવામાં એટલા માટે પણ સમર્થ નથી કારણ કે તેઓ પાસે પુરતા પ્રમાણમાં સંસાધનો અને ભંડોળ નથી અને તેમની અન્ય પ્રાથમિકતાઓ પણ છે.
ભુટોરિયાએ જણાવ્યું હતું કે, આ બેઠક ખુબ જ મહત્ત્વની હતી કારણ કે અમે હિન્દુ ધાર્મિક સ્થળો વિરુદ્ધ તાજેતરના સમયમાં થયેલા આવા ઘૃણા અપરાધોમાં વધારાનો મુકાબલો કરવા માટે એકજૂથ બન્યા છીએ. હું ભારતીય સમુદાયના નેતાઓ, ન્યાય વિભાગ, એફબીઆઇ અને મિલ્પિતાસ, ફ્રેમોન્ટ અને નેવાર્કના પોલીસ અધિકારીઓને સાથે લાવ્યો હતો. છેલ્લા ચાર મહિના દરમિયાન એકલા બે વિસ્તારમાં 11થી વધારે મંદિરો પર હુમલા થયા છે, તોડફોડ કરાઇ છે અને તેની દિવાલો ઉપર અપમાનજનક ભાષામાં ગ્રાફિટી કરાઇ હતી. સમુદાયમાં હાલ ભયનું વાતાવરણ છે પરંતુ અમારો સમુદાય પહેલા કરતા પણ વધારે મજબૂત છે.
સિખ નેતા સુખી ચહલે જણાવ્યુ હતું કે,અમે ધર્મસ્થાનોની સુરક્ષા અને ઘૃણા અપરાધોનો મુકાબલો કરવા માટે મંથન કર્યુ હતું, ખાસ કરીને એવા અપરાધો જેમાં સિખ ફોર જસ્ટીસ (એસએફજે) જેવા ખાલિસ્તાની સમર્થકો હિન્દુ મંદિરોને નિશાન બનાવી રહ્યા હોય, સ્કૂલો અને કોર્પોરેટ પ્રતિષ્ઠાનો બહાર વાંધાજનક બેનરો પ્રદર્શિત કરી રહ્યા હોય. અમારી ચર્ચામાંઅમે ન્યાય વિભાગ સાથે મળીને પ્રોટેક્ટિંગ ઓલ પ્લેસિસ ઓફ વર્શિપ ફોરમ (પીપીઓડબલ્યુ)ના આયોજનની સંભાવના ચકાસી હતી. ચહલે વધુમાં જણાવ્યું હતું કે,‘તેમણે વ્યક્તિગત રીતે ખાલિસ્તાન સમર્થક અલગતવાદી ગુરુપતવંત સિંહ પન્નુના ઉશ્કેરણીજનક અને ધમકીભર્યા વીડિયો સંદેશાનું મહત્ત્વ રેખાંકિત કર્યુ હતું.
તેમણે કહ્યું હતું કે,‘મેં એફબીઆઇ અને ન્યાય વિભાગના અધિકારીઓને વિનંતી કરી હતી કે તેઓ પન્નુનના નિવેદનોની શાંતિ, એખલાસ અને ભારત-અમેરિકા સંબંધો પર પડનારી અસરો વિશે ગંભીરતાપૂર્વક ધ્યાન આપે. એ ખુબ જ મહત્ત્વનું છે કે આપણે સૌ સાથે મળીને આવા ઘૃણાસભર સંદેશાઓની અસરો ડામી દઈએ કારણ કે એ સામાજિક સુલેહ-શાંતિને પ્રભાવિત કરવાની અને યુવાનોને કટ્ટર બનાવવાની ક્ષમતા ધરાવે છે.
બેઠક પછીએ વાતે સંમતિ સધાઇ હતી કે અમેરિકન ન્યાય વિભાગના માર્ગદર્શન હેઠળ એક કાર્યકારી સમુહની રચના કરવામાં આવે જે સક્રીય રીતે ધર્મસ્થાનોની સુરક્ષા માટેના પગલાં વિશે કાર્યવાહી કરે અને કોઇપણ અનિચ્છનીય ઘટના પદ્ધતિસર રીતે રીપોર્ટ કરે. આ સમુહમાં વિભિન્ન ભારતીય સમુદાયના વર્ગોનું પ્રતિનિધિત્વ રહેશે. સમુદાયના નેતાઓએ આ વાતે ચિંતા વ્યક્ત કરી હતી કે વધી રહેલા ભયના માહોલના નિવારણમાં અથવા તો અમેરિકામાં ભારત વિરોધી ત્રાસવાદી ગતિવિધિઓ રોકવામાં પોલીસ તેમની ખાસ મદદ કરી રહી નથી.
ખાલિસ્તાન મુદ્દે વાત કરતા કાયદાનો અમલ કરાવનારી એજન્સીઓના અધિકારીઓએ કહ્યું હતું કે,‘તેઓ આ સંદર્ભ સમજી શકતા નથી અને તેમને આ મુદ્દે વધારે જાણકારીની જરૂર છે.