અમેરિકાના મિસિસિપી રાજ્યમાં નવા વર્ષની પાર્ટીમાં કેટલાંક લોકોએ અંધાધૂંધ ગોળીબાદ ચાલુ કરતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા અને ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા, એમ સત્તાવાળાએ જણાવ્યું હતું.
ગલ્ફપોર્ટ પોલીસ વડા ક્રિસ રાયલે શનિવારે ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ પાર્ટીમાં 50થી વધુ ગોળીઓ છોડવામાં આવી હતી. આ ઘટનામાં હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી, કારણ કે તપાસકર્તા ઘટનાની કડીઓ જોડી રહ્યા છે. શૂટીંગની ઘટના સમયે હાજર લોકો અને ઘાયલ લોકો પોલીસ સાથે વાતચીત કરી રહ્યાં નથી.
પોલીસના જણાવ્યા અનુસાર એક વ્યક્તિની હાલત ગંભીર છે અને ત્રણ વ્યક્તિઓ ઝડપથી રિકવર થાય તેવી શક્યતા છે. પાર્ટીમાં કોઇ કારણોસર ઘક્કામુક્કી અને મુક્કાબાજી બાદ ગોળીબારની ઘટના બની હતી. રાયલે જણાવ્યું હતું કે આ દુર્ઘટના માટે ગન, ડ્રગ્સ અને આલ્કોહોલ મુખ્ય કારણો હોઇ શકે છે. આ આઉટડોર પાર્ટીમાં ગોળીબાદ થયો ત્યારે કેટલાં વ્યક્તિઓ હાજર હતા તેની પોલીસ માટે માહિતી ન હતી.