અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યમાં સેન હોઝેના રેલ યાર્ડમાં થયેલા અંધાધુંધ ગોળીબાદમાં ભારતીય મૂળના 36 વર્ષીય શીખ યુવાન સહિત 9 લોકોના મોત થયા હતા, એમ ગુરુવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. સેન હોઝેમાં વેલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીના (વીટીએ)ના સેમ્યુએલ કેસિડી (57 વર્ષ) નામના એક મેન્ટેનન્સ વર્કરે બુધવારે આ હુમલો કર્યો હતો અને પોતે આત્મહત્યા કરી હતી.
ભારતમાં જન્મેલા અને કેલિફોર્નિયાના યુનિયન સિટીમાં ઉછેરેલા તાપ્તેજદીપ સિંઘ તેમની પાછળ પત્ની, ત્રણ વર્ષના પુત્ર અને એક વર્ષની પુત્રીને છોડીને ગયા હતા. તેમના મોતથી સાનફ્રાન્સિકો બે એરિયાના શીખ સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ હતી.
વેલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીના (વીટીએ)ના સાથી કામદારોએ સિંઘને હીરો ગણાતા જણાવ્યું હતું કે ગોળીબારની ઘટનાથી બધા સુરક્ષિત ઓફિસ રૂમમાં સંતાઈ ગયા હતા, ત્યારે તાપ્તેજદીપ સિંઘ બીજા લોકોને મદદ કરવા માટે હિંમત કરીને બહાર ગયા હતા. સિંઘ નવ વર્ષથી વીટીએમાં લાઇટ રેલ ઓપરેટર હતા.
સિંઘના ભાઇ બગ્ગા સિંઘે જણાવ્યું હતું કે તેમના ભાઇએ એક મહિલાનો જીવ બચાવ્યો હતો અને પોતે ગોળીનો શિકાર બન્યા હતા. સિંઘે હીરો બન્યા છે, પરંતુ તેમનો જીવ બચાવ્યો હોત તો સારુ હતું. અમે એક સારા વ્યક્તિને ગુમાવ્યા છે.
ગોળીબારની આ ઘટના સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના સિલિકોન વેલીમાં સાન્ટા ક્લેરા વેલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (વીટીએ)ના કોમ્યુટર ટ્રેન માટેના લાઇટ રેલ યાર્ડમાં બની હતી. બુધવારની આ ઘટના છેલ્લાં ત્રણ મહિનામાં અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારની આઠમી ઘટના છે.