કોરોના મહામારીએ અમેરિકામાં સૌથી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે. આઠ લાખથી પણ વધારે અમેરિકનો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે અને 50,000 જેટલા અમેરિકનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બધા વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ અમેરિકા કદાચ હવે કદી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ફન્ડ આપવાનું ચાલું નહીં કરે તે અર્થનું નિવેદન આપ્યું છે. સાથે જ તેમણે જરૂર પડશે તો અમેરિકા સ્વાસ્થ્ય મામલે પોતાની જાતે વૈશ્વિક સંગઠન બનાવી લેશે તેમ પણ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ કોરોના વાયરસ મહામારી મામલે ચીન સાથે મિલીભગતનો આરોપ લગાવીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આપવામાં આવતું ફન્ડિંગ રોકી દીધું હતું. ત્યારે હવે માઈક પોમ્પિયોએ તે જ દિશામાં વધુ આક્રમક વલણના સંકેત જાહેર કર્યા છે. એક ઈન્ટરવ્યુમાં પોમ્પિયોએ જણાવ્યું કે, “હવે WHOના નેતૃત્વને જ નહીં પણ સમગ્ર સંગઠનને બદલી દેવાનો સમય આવી ગયો છે. અમેરિકા હવે કદી આ સંગઠનમાં પુનઃપ્રવેશ નહીં કરે.”
પોમ્પિયોના કહેવા પ્રમાણે જો સંગઠન સાચી રીતે કામ કરતું હોત તો તેઓ તેના સાથે જોડાવાનું વિચારેત પરંતુ હવે તેઓ પોતાના વૈશ્વિક સાથીદારો સાથે મળીને સાચું નેતૃત્વ પ્રદાન કરી શકે તેવા સ્ટ્રક્ચર પર કામ કરશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં અમેરિકાનું ફન્ડિંગ સૌથી વધારે 15 ટકા જેટલું હતું. ટ્રમ્પે ફન્ડિંગ રોકવાની જાહેરાત કરી ત્યાર બાદ સંગઠને અનેક વખત ફન્ડિંગ ન રોકવા વિનંતી કરી હતી જેને અમાન્ય રાખવામાં આવી હતી. નોંધનીય છે કે, આ મહામારીના કારણે 2.5 કરોડ અમેરિકનોએ નોકરી ગુમાવી છે.