કોરોના વાઈરસથી થયેલા નુકસાનમાંથી ઉગારવા વિશ્વના પાંચ દેશો આગળ આવ્યા છે. અમેરિકા, બ્રિટન, જર્મની, સ્પેન અને ફ્રાન્સે સંયુક્ત રીતે કોરોનાને મ્હાત આપવા 170 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. અમેરિકન સરકાર 1 લાખ કરોડ ડૉલરનું (1 ટ્રિલિયન ડૉલર)નું રાહત પેકેજ આપવાની યોજના બનાવી રહી છે.
આ પેકેજમાં નાના બિઝનેસની સાથે એરલાઈન ઈન્ડસ્ટ્રી પર સૌથી વધુ ધ્યાન અપાશે. ટ્રેઝરી સેક્રેટરી ટી. ન્યૂચીને કહ્યું કે, વ્હાઈટ હાઉસ અમેરિકન નાગરિકોને સીધા ચેક આપવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાના લગભગ દરેક રાજ્યમાં કોરોના વાઈરસ ફેલાઈ ગયો છે, જેના કારણે સ્કૂલ-કોલેજો અને અન્ય બિઝનેસ બંધ કરાયા છે. આ ચેક કેટલા રૂપિયાના હશે અને કોને અપાશે, એ વિશે ચર્ચાવિમર્શ ચાલુ છે.
રૂ. એક લાખ કરોડનું રાહત પેકેજ 2008ની મંદીથી પણ મોટું છે. આ પેકેજનું કદ અમેરિકન સરકારે ગયા વર્ષના ત્રિમાસિક ગાળામાં ખર્ચેલા બજેટ બરાબર છે. બીજા શબ્દોમાં કહીએ તો આ રકમ બ્રિટનના વાર્ષિક ખર્ચ જેટલી છે. આ પ્રસ્તાવ કોંગ્રેસમાં પાસ પણ થઈ ગયો છે. યુરોપના દેશો પણ કોરોનાના કારણે મંદીમાં ડૂબી રહેલા અર્થતંત્રને રાહત આપવા માટે પેકેજ જાહેર કરી રહ્યા છે. ફ્રાન્સ પણ મંગળવારે રૂ. 5 હજાર કરોડ ડૉલરના પેકેજની જાહેરાત કરી ચૂક્યું છે.
જર્મની કોરોનાને પગલે સર્જાયેલી આર્થિક સંકડામણ માટે લોન ગેરંટીમાં લગભગ 55 હજાર કરોડ ડૉલર ભેગા કરી રહ્યું છે. જર્મની પણ આ મહામારીથી પ્રભાવિત કંપનીઓને રોકડ ઉપલબ્ધ કરાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ રાહતનો નાણા મંત્રી ઓલાફ શોલ્ઝે ગયા અઠવાડિયે ઉલ્લેખ કર્યો હતો. જર્મન સરકાર કંપનીઓ માટે સ્ટેટ ડેવલપમેન્ટ બેંકો દ્વારા અપાતી લોન સરળ બનાવવા પર કામ કરી રહી છે. આ સાથે આર્થિક સંઘર્ષ કરી રહેલા બિઝનેસ માટે ટેક્સ પેમેન્ટમાં મોડું થાય તેને પણ મંજૂરી આપી રહી છે.
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝે પણ 22 હજાર કરોડ ડૉલરનું રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે. સ્પેન સરકારે કહ્યું છે કે, કંપનીઓ દેવાળું ના ફૂંકે એટલે આ જરૂરી ઉપાયો કરાઈ રહ્યા છે. કોરોના વાઈરસના સંકટને ટાળવા મોડા પગલાં લેવા બદલ ટીકાનો સામનો કરી રહેલી બ્રિટન સરકાર પણ હવે સક્રિય થઈ ગઈ છે. બ્રિટનના નાણા મંત્રી રિશી સૂનકે જાહેરાત કરી છે કે, સરકાર કંપનીઓ માટે લોનના રૂપે 40 હજાર કરોડની સહાય આપશે. આ ઉપરાંત કોરોના પ્રભાવિત લોકો માટે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ત્રણ મહિના સુધી ટાળી દેવાયું છે.