અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસે પીડોફાઇલ જેફરી એપ્સટાઇન સાથે મિત્રતા ધરાવવા બદલ અને અન્ય આક્ષેપો હેઠળ 60 વર્ષના ડ્યુક ઓફ યોર્ક, પ્રિન્સ એન્ડ્રુને ગુનાહિત તપાસના ભાગ રૂપે પૂછપરછ કરવા માટે માટે ઉપલબ્ધ કરાવવાની સત્તાવાર માંગ કર્યા બાદ પ્રિન્સ એંડ્ર્યુએ અસાધારણ જાહેર લડત શરૂ કરશે એમ જણાવ્યું છે. પ્રિન્સે ‘સ્પષ્ટ રીતે’ કોઈ પણ ખોટુ કર્યાનો ઇનકાર કર્યો છે, પરંતુ 36 વર્ષની વર્જિનિયા રોબર્ટ્સે આરોપ મૂક્યો છે કે તે 17 વર્ષની હતી ત્યારે પ્રિન્સ એન્ડ્ર્યુએ ત્રણ જુદા જુદા પ્રસંગોએ તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો.
યુ.એસ.ના ન્યાય વિભાગે સત્તાવાર રીતે ગ્રેટ બ્રિટન સમક્ષ માંગ કરી છે કે જેફરી એપ્સટાઇન સાથેની તેમની લિંક્સ અંગે પ્રિન્સ એન્ડ્રુની પૂછપરછ કરવાની મંજૂરી આપો. આ પહેલા ન્યૂયોર્કમાં ફરિયાદી દ્વારા એપ્સ્ટાઇનના સેક્સ ટ્રાફિકિંગ નેટવર્કની તેમની તપાસ સંબંધે પૂછપરછ કરવાનો ઇનકાર કર્યો હતો.
યુ.એસ. ન્યાય વિભાગે અહેવાલ મુજબ યુકે હોમ ઓફિસ સમક્ષ ‘મ્યુચ્યુઅલ લીગલ આસીસ્ટન્સ’ (MLA) વિનંતી ફાઇલ કરી હતી. આ વિનંતીઓનો ઉપયોગ ફક્ત યુકે સાથે કાનૂની સંધિ હેઠળ ફોજદારી કેસોમાં થાય છે. તે અંતર્ગત પ્રિન્સ એન્ડ્ર્યુએ હવે શપથ હેઠળ તે આક્ષેપો અંગે જણાવવું પડે તેવી શક્યતા છે. પરંતુ યુએસ અધિકારીઓની વિનંતીનો અર્થ એ છે કે મહિનાની અંદર તેને યુકેની કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેવાની ફરજ પડી શકે છે. MLA સબમિટ કરી અમેરિકા પ્રશ્નોના જવાબ આપવા પ્રિન્સ પર દબાણ કરવાની હિંમતભરી ચાલ રમી રહ્યું છે.
બીજી તરફ પ્રિન્સ એન્ડ્રુએ યુ.એસ. પર ‘તેની ગુપ્તતાનો ભંગ’ કરવાનો આરોપ લગાવી નિંદાત્મક નિવેદન સાથે પોતાનું મૌન તોડ્યું છે. તેમના વકીલોએ તપાસ કરનારાઓ પર કેસના જાહેર નિવેદનો દ્વારા પ્રિન્સની ગુપ્તતાનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રિન્સે તપાસમાં મદદ કરવા માટે કદી વિનંતી ટાળી નહોતી અને અમેરિકન અધિકારીઓને તેમની ચાલુ તપાસ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ વખત મદદ કરવાની ઓફર કરી હતી.
એક નિવેદનમાં પ્રિન્સના વકીલો તરફથી કહેવામાં આવ્યું છે કે ‘મહત્વની વાત છે કે, ડીઓજેએ અમને સલાહ આપી હતી કે ડ્યુક ગુનાહિત તપાસનું’ લક્ષ્ય નથી અને તેમણે તેમનો ગુપ્ત, સ્વૈચ્છિક સહયોગ મેળવ્યો હતો. અમે ડીઓજેને પુષ્ટિ કરવા જણાવ્યું કે અમારો સહયોગ અને ઇન્ટરવ્યૂની કોઈપણ ગોઠવણ ગુપ્ત રહેશે. જે સામે અમને એક સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી કે અમારી ચર્ચાઓ અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા ગુપ્ત રહેશે.’’
ડ્યુક પોતે ‘પુરાવા’ આપવા તૈયાર છે અને તે બતાવશે કે તે યુ.એસ.ઓફિશિયલ્સને સહકાર આપી રહ્યો છે. યુ.એસ. અધિકારીઓએ અગાઉ દાવો કર્યો હતો કે પ્રિન્સ એન્ડ્રુએ એપ્સટાઇન અંગે પૂછપરછ કરવા અને તેમની સેક્સ ટ્રાફિકિંગ નેટવર્ક અંગેની તેમની તપાસ અંગેની વિનંતીઓ બાબતે સહકાર આપવાનો ઇનકાર કરી દીધો હતો.
એવો દાવો કરવામાં આવ્યો હતો MLA વિનંતી પર ન્યાય વિભાગ દ્વારા ગયા મહિને 1994ની સંધિની શરતો હેઠળ વિધિવત નોંધણી કરવામાં આવી હતી. મંજૂરી આપવામાં આવશે તો યુ.એસ.ના વકીલ કાં તો ડ્યુકને સ્વેચ્છાએ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા અથવા સહી કરેલું નિવેદન આપવા જણાવી શકે છે.
તેઓ પ્રિન્સ એન્ડ્ર્યુને શપથ પર મૌખિક અથવા લેખિત પુરાવા રજૂ કરવા મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર રહેવા પણ કહી શકે છે. તેમણે ઇનકાર કર્યો, તો ડ્યુકને રૂબરૂ હાજર રહેવાની ફરજ પડી શકે છે. પરંતુ પ્રિન્સ એન્ડ્રુને અમેરિકી બંધારણ હેઠળ ‘પાંચમા અમેન્ડમેન્ટ હોઠળ ચૂપ રહેવાનો અધિકાર હશે.
હોમ ઑફિસે આવી વિનંતી કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી. પરંતુ યુકેના અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.ક્વીન એલિઝાબેથને ડિપલોમેટીક ઇમ્યુનિટી મળેલી છે પરંતુ પ્રિન્સ એન્ડ્રુને કાયદેસરની સુરક્ષા મળેલી નથી.