અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણીના બે મુખ્ય દાવેદાર પ્રેસિડેન્ટ જો બાઈડેન અને તેમના હરીફ અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જાહેર ડીબેટ થશે. આ બંને નેતાઓએ જૂન અને સપ્ટેમ્બરમાં ચૂંટણી કેમ્પેઇના ભાગરૂપે ડીબેટ માટે મંજૂરી આપી છે. બંને વચ્ચે પ્રથમ મુકાબલો 27 જૂને થશે. જોકે, આ ચર્ચા માટેના નિયમો હજુ નક્કી કરવામાં આવ્યા નથી. બાઇડેનની ચૂંટણી કેમ્પેઇન ટીમે છેલ્લા ૩૦ વર્ષ કરતાં વધુ સમયથી નિષ્પક્ષ કમિશન દ્વારા યોજાતી ચર્ચામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. તેને બદલે તેમણે મીડિયા સંસ્થાઓને ડેમોક્રેટિક અને રીપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર વચ્ચે સીધી ચર્ચા યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં પ્રથમ ચર્ચા જૂન અને બીજી ચર્ચા સપ્ટેમ્બરમાં યોજવાની જાહેરાત કરાઈ છે.
ટ્રમ્પે પણ તેની ‘ટ્રુથ સોશિયલ’ સાઇટ પર પ્રસ્તાવિત સમયે બાઇડેન સાથે ચર્ચા માટે તૈયાર હોવાની સહમતી દર્શાવી તેના થોડા કલાકાોમાં બાઇડેને પણ 27 જૂને સીએનએન દ્વારા ચર્ચાના આમંત્રણને સ્વીકાર્યું હોવાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે, “ઓવર ટુ યુ, ડોનાલ્ડ. તમારા જણાવ્યા મુજબ ગમે ત્યાં, ગમે તે સમયે અને ગમે તે સ્થળે.” ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ ડિજિટલને આમંત્રણ સ્વીકારીને જણાવ્યું હતું કે, “હું ચર્ચા માટે તૈયાર છું.” ચર્ચા માટે સહમતિ હોવા છતાં તેના આયોજન અંગે બંને પક્ષ વચ્ચે નોંધપાત્ર મતભેદ હોવાનું જણાય છે. જેમાં મીડિયા પાર્ટનર્સ, ચર્ચાના સંચાલકો, સ્થળ અને નિયમો સહિતની બાબતોનો સમાવેશ થાય છે.