પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં ચાલુ વર્ષે ઇમિગ્રન્ટ્સની સંખ્યા બે દાયકાની ઊંચી સપાટીએ પહોંચી છે અને તેને કારણે તેની એકંદર વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, એમ ગુરુવારે યુએસ સેન્સસ બ્યૂરોએ જારી કરેલા અંદાજમાં જણાવાયું હતું. વસ્તીમાં આશરે 1.6 મિલિયનનો વધારો થયો હતો, તેમાંથી બે તૃતિયાંશથી વધુ લોકો અન્ય દેશોમાંથી આવ્યા હતા. તેને લીધે દેશની કુલ વસતી ૩3૩.૯ મિલિયન થઈ હતી. સતત બીજા વર્ષે ઇમિગ્રેશનને કારણે અમેરિકાની વસતીમાં વધારો નોંધાયો છે.

બ્યૂરોએ જણાવ્યું હતું કે કોરોના મહામારી પછી મૃત્યુની સંખ્યામાં ઘટાડાને કારણે પણ અમેરિકાની વસ્તી વૃદ્ધિદર વધ્યો છે. ગયા દાયકાના પછીના પાંચ વર્ષમાં ઇમિગ્રેશન ઘટ્યું હતું અને કોરોના મહામારીના નિયંત્રણ વખતે પણ તેમાં ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષ ઇમિગ્રન્ટ્સની સંખ્યા વધી લગભગ ૧૦ લાખે પહોંચી હતી. ચાલુ વર્ષે પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે અને વસતીમાં વધુ ૧૧ લાખ લોકોનો ઉમેરો થયો છે.

ધ બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યુશનના નિષ્ણાત વિલિયમ ફ્રે દ્વારા સંકલિત સેન્સસ બ્યૂરોના ડેટા અનુસાર “આ આવનારા સમયનો સંકેત છે. ઇમિગ્રેશન વગર અમેરિકાની વસતી ઘટવાનો અંદાજ છે. કારણે ૨૦૩૦માં જન્મ કરતાં મૃત્યુની સંખ્યા વધવાની શક્યતા છે. ફ્રેના જણાવ્યા અનુસાર “આગામી સમયમાં ઇમિગ્રેશન વસતીમાં વૃદ્ધિનું મુખ્ય કારણ રહેશે.”

સેન્સસના આધારે દરેક રાજ્યને અમેરિકન કોંગ્રેસમાં બેઠકોની ફાળવણી નિર્ધારિત કરવામાં આવે છે. ૨૦૩૦માં આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો કેલિફોર્નિયા અમેરિકન કોંગ્રેસમાં ચાર અને ન્યૂ યોર્ક ત્રણ બેઠક ગુમાવશે. તેની સામે ટેક્સાસને ચાર અને ફ્લોરિડાને ત્રણ બેઠકનો લાભ થશે એવું વિશ્લેષણ બ્રેનન સેન્ટર ફોર જસ્ટિસે રજૂ કર્યું હતું. વસતીમાં સૌથી વધુ ૮૭ ટકા વૃદ્ધિ દક્ષિણ ભાગમાં થઈ હતી. જેમાં ટેક્સાસથી મેરીલેન્ડ અને ડેલાવેરનો સમાવેશ થાય છે.

જોકે, સેન્સસ બ્યૂરોના જણાવ્યા અનુસાર મહામારી વખતે ટેક્સાસ, ફ્લોરિડા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં નોંધાયેલી વૃદ્ધિ ૨૦૨૩માં ઘટી છે. અમેરિકાના ૫૦ રાજ્યોમાંથી ન્યૂ યોર્કનો વસતી દર સૌથી વધુ ૦.૫ ટકા ઘટ્યો હતો. હજુ પણ કેલિફોર્નિયા ૩.૮૯ કરોડ લોકો સાથે અમેરિકાનું સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય છે. જોકે, ચાલુ વર્ષે તેની વસતીમાં ૭૫,૦૦૦થી વધુ નાગરિકોનો ઘટાડો થયો હતો. ટેક્સાસ ૩.૦૫ કરોડ લોકો સાથે વસતીમાં બીજા ક્રમે છે.

LEAVE A REPLY