H-1B અને L1 વિઝા પરના હજારો વિદેશી ટેક કામદારોને ફાયદો થઈ શકે તેવી એક હિલચાલમાં અમેરિકા પ્રાયોગિક ધોરણે કેટલીક શ્રેણીઓમાં “ડોમેસ્ટિક વિઝા રિવેલિડેશન” ફરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.
અમેરિકી સરકાર ઈમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર કરીને ફોરેન ટેક વર્કર્સ માટે વિઝા રિવેલિડેશનની પ્રોસેસમાં સુધારો કરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ વિદેશી ટેક વર્કર્સે પોતાના H-1B અને L1 જેવા વિઝાના રિવેલિડેશન માટે હવે સ્વદેશ પરત નહીં જવું પડે. અમેરિકામાં રહેવા દરમિયાન જ આ પ્રોસેસ થઈ જશે.
નોન ઈમિગ્રન્ટ વિઝાની કેટલીક કેટેગરીમાં અને ખાસ કરીને H-1B વિઝાના રીવેલિડેશનની કામગીરી 2004 સુધી અમેરિકામાં જ થઈ જતી હતી. આ પછી તેમાં સુધારો કરાયો હતો અને જે તે દેશના લોકોએ પોતાના દેશમાં જઈને રિવેલિડેશનની પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હતી. જાણકારોના મતે આ માટે 800 દિવસ સુધી રાહ જોવી પડતી હતી. આ નવા સુધારાના કારણે આઈટી પ્રોફેશનલ્સને ખૂબ જ મોટી સમસ્યા થતી હતી. અમેરિકી સરકાર દ્વારા જો નવો સુધારો લાગુ કરવામાં આવશે તો આઈટી પ્રોફેશનલ્સને સૌથી વધારે ફાયદો થશે.