એક હાઇપ્રોફાઇલ ઘટનામાં બ્રિટિશ અને અમેરિકન વચ્ચે અનોખું ઘર્ષણ થયું હતું. મંગળવારે રાત્રે કારનો પીછો કરવાની કથિત ઘટનાના તમામ ફૂટેજ અને ફોટો સોંપવા માટે ડ્યુક અને ડચેઝ ઓફ સસેક્સના વકીલોએ કરેલી માગને અમેરિકાની જાણીતી ફોટો એજન્સી-બેકગ્રીડ યુએસએ દ્વારા ફગાવવામાં આવી છે.
38 વર્ષીય બ્રિટિશ પ્રિન્સ હેરી અને 41 વર્ષીય મેઘન મર્કલે દાવો કર્યો હતો કે, મેનહટ્ટનમાં ગ્લેમરસ એવોર્ડ સમારંભમાં હાજરી આપ્યા પછી સતત બે કલાક સુધી ફોટોગ્રાફરોએ તેમનો પીછો કર્યો હતો. આ ઘટનાના પુરાવા મેળવવા માટે, પ્રિન્સ હેરીની કાયદાકીય ટીમે બેકગ્રિડ યુએસએને એક પત્ર મોકલ્યો હતો, જેમાં ચાર ફ્રીલાન્સ ફોટોગ્રાફરો દ્વારા લેવામાં આવેલી તસવીરો અને ફૂટેજની કોપીની માગણી કરી હતી, સમારંભમાંથી બહાર નીકળ્યા પછી આ રાજવી દંપતીઓની તસવીરો ફોટોગ્રાફરોએ આગળ મોકલી દીધી હતી.
રાજવી દંપતીની આવી વિનંતીનો જવાબ આપતા, બેકગ્રિડના વકીલોએ વ્યંગાત્મક જવાબ આપ્યો અને કહ્યું, “મને ખાતરી છે કે, તમે જેમ જાણો છો તેમ, અમેરિકામાં, મિલકત તેના માલિકની હોય છે, ત્રીજી વ્યક્તિ તેમને પરત આપવાની માગ જરા પણ કરી શકતા નથી, કારણ કે કદાચ રાજાઓ કરી શકે છે.” તેમણે એવું વધુમાં સૂચવ્યું હતું કે, વકીલો હેરી અને મેઘન સાથે બેસીને સમજાવે કે, “નાગરિકોને તેમની મિલકત રાજાને સોંપવાની માગ કરવા માટેના તેમના રાજવી વિશેષાધિકારના બ્રિટિશ નિયમો આ દેશ દ્વારા ઘણા સમય અગાઉ ફગાવવામાં આવ્યા છે, અમે અમારા સ્થાપકોના નિયમનું પાલન કરીએ છીએ.”
કારનો કથિત પીછો કરવામાં આવ્યો ત્યારે આ દંપતી ન્યૂયોર્કમાં એમએસ ફાઉન્ડેશનના વિમેન ઓફ વિઝન કાર્યક્રમમાંથી, મેઘનની માતા ડોરિયા રાગલેન્ડ સાથે, અંદાજે રાત્રે 9:50 કલાકે રવાના થયા. પ્રિન્સના પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે, પાપારાઝી ઝનૂનપૂર્વક નજીકથી કારનો પીછો કરીને ઉત્પાત મચાવતા હતા. દંપતીએ જણાવ્યું હતું કે, બે કલાક સુધી તેમનો પીછો કરવામાં આવ્યો હતો અને તેના પરિણામે અન્ય વાહનો, રસ્તે જતા લોકો અને ન્યૂયોર્ક પોલીસ ડીપાર્ટમેન્ટના બે અધિકારીઓ સહિત અનેકવાર અથડાતા રહી ગયા હતા.
દંપતીના પ્રવક્તાએ તેમણે ભોગવેલી પરેશાની આબેહૂબ પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું. રસ્તાઓ પર જે અંધાધૂંધી અને ભયનો માહોલ ઊભો થયો હતો અને જીવ જોખમમાં મુકાયો હતો તે આખી ઘટના જણાવવામાં આવી હતી.
જોકે, બેકગ્રિડે આ ઘટનાની ગંભીરતા અંગે વિરોધ કર્યો કર્યો હતો. તેમણે ચાર ફ્રીલાન્સ ફોટોગ્રાફરો પાસેથી ફોટો મેળવ્યા હોવાની પુષ્ટિ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ દરમિયાન અથડામણ જેવી કોઇ ઘટના ઘટી ન હતી. નુકસાન પહોંચાડવાનો ફોટોગ્રાફરોનો કોઈ ઈરાદો નહોતો અને તેમની પાસે માત્ર તેમના કેમેરા હતા. ફોટોગ્રાફર્સને એવું જણાયું હતું કે, આ દંપતી પર ક્યાંય જોખમ નથી.
બંને પક્ષોના વિરોધાભાસી મુદ્દાઓ સાથે, આ ઘટનાએ સેલિબ્રિટીની અંગત બાબતોમાં જવાબદારીની મર્યાદા અંગે વિવાદ જગાવ્યો છે. જેમ જેમ જુદા જુદા દૃષ્ટિકોણનું યુદ્ધ આગળ વધી રહ્યું છે તેમ, કારનો પીછો કરવા પાછળનું સત્ય અસ્પષ્ટ રહે છે, લોકો તે બાબતે સ્પષ્ટતા અને નિરાકરણ જાણવા માટે આતુર હોય છે.