યુક્રેનમાં રશિયાના યુદ્ધ અને તેના પગલે પશ્ચિમી દેશોના અમેરિકા પરના પ્રતિબંધોને કારણે વિશ્વભરમાં ઇંધણના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. અમેરિકામાં પેટ્રોલના સરેરાશ ભાવ પ્રથમ વાર ગેલન દીઠ 5 ડોલરને વટાવી ગયા છે.
ઓટો ક્લબ AAAએ જણાવ્યું હતું કે શનિવારે સરેરાશ ભાવ 5.00 ડોલર થયા હતા. અમેરિકાના કેટલાંક રાજ્યો અને ખાસ કરીને કેલિફોર્નિયાના લોકો આ ભાવ કરતાં ઘણા ઊંચા ભાવ ચુકવી રહ્યાં છે. ગયા સપ્તાહે રાષ્ટ્રીય સરેરાશ ભાવમાં 19 સેન્ટનો ઉછાળો આવ્યો હતો અને ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 1.93 ડોલરનો વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં ઉછાળા માટે કેટલાંક પરિબળો જવાબદાર છે.
યુક્રેનમાં યુદ્ધને કારણે અમેરિકા અને યુરોપના દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયા ક્રૂડ ઓઇલનો અગ્રણી દેશ છે, તેથી ક્રૂડના વૈશ્વિક ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત મેમોરિયલ ડેના પ્રારંભથી અમેરિકાના લોકો સામાન્ય રીતે વધુ કાર ચલાવતા હોય છે. મહામારી દરમિયાન કેટલીક રિફાઇનરીઓ બંધ થઈ હોવાથી હાલમાં રિફાઇનિંગ ક્ષમતા પણ મર્યાદિત છે.
અમેરિકામાં ફુગાવો પર 40 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે છે. આ સ્થિતિમાં લોકો ઊંચા ભાવથી પરેશાન છે. AAAના જણાવ્યા અનુસાર કેલિફોર્નિયામાં પેટ્રોલના સરેરાશ ભાવ 6.43 ડોલર થયા છે. આની સામે મિસિસિપીમાં સરેરાશ ભાવ 4.52 ડોલર છે. અમેરિકામાં પેટ્રોલના ભાવ પ્રથમ વાર 5 ડોલરને વટાવી ગયા છે, પરંતુ ઊંચા ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવે તો તે હજુ પણ રેકોર્ડ સ્તરે નથી. પેટ્રોલના ભાવ જુલાઈ 2008માં ગેલન દીઠ 4.11 ડોલર થયા હતા, જે હાલના ગેલન દીઠ 5.40 ડોલરના ભાવની સમકક્ષ છે.