કોવિડ-19ના કારણે પાછી ઠેલાયા પછી મોડેથી રમાયેલી એક મહત્ત્વની ગ્રાંડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ – યુએસ ઓપનમાં ઓસ્ટ્રીઆનો ડોમિનિક થિએમ અને જાપાનની નાઓમી ઓસાકા અનુક્રમે પુરૂષો અને મહિલા વર્ગમાં ચેમ્પિયન બન્યા છે. ઓસાકાએ શનિવારે રમાયેલી ફાઈનલમાં બેલારૂસની, અગાઉ વર્લ્ડ નં. 1 રહી ચૂકેલી વિક્ટોરીઆ અઝારેન્કાને 1-6, 6-3, 6-3થી હરાવી હતી, તો રવિવારે રમાયેલી પુરૂષોની સિંગલ્સની ફાઈનલમાં થિએમે જર્મનીના એકેઝાન્ડર ઝવેરેવને ચાર કલાકથી વધુ ચાલેલા મુકાબલામાં 2-6, 4-6, 6-4, 6-3, 7-6 (8/6) થી હરાવ્યો હતો.
બન્ને ખેલાડીઓએ કેટલાક રેકોર્ડ કર્યા હતા, જેના કારણે તેમનું આ ગ્રાંડ સ્લેમ ટાઈટલ તેમના માટે તેમજ હરીફ માટે પણ યાદગાર બની ગયું હતું. ફાઈનલમાં પહેલા બે સેડ હારી ગયા પછી ચેમ્પિયન બન્યો હોય તેવો યુએસ ઓપનમાં થિએમ સૌપ્રથમ ખેલાડી બન્યો છે. તે ઉપરાંત, ફાઈનલનો નિર્ણય ટાઈબ્રેકથી લેવાયો હોય તેવો પણ આ પ્રથમ કિસ્સો છે. આ અગાઉ, થિએમ ત્રણ મહત્ત્વની સ્પર્ધાઓની ફાઈનલ્સ સુધી પહોંચ્યો હતો, પણ આ તેનું સૌપ્રથમ ગ્રાંડ સ્લેમ ટાઈટલ હતું. 2014માં ક્રોએશીઆના મારિન સિલિક પછી ગ્રાંડ સ્લેમનું ટાઈટલ હાંસલ કરનારો તે પ્રથમ નવોદિત ખેલાડી પણ બન્યો છે.
તો જાપાનની 22 વર્ષની નાઓમી ઓસાકાએ શનિવારે પોતાની ત્રીજી ગ્રાંડ સ્લેમ ટાઈટલ સફળતા હાંસલ કરી હતી અને ત્રણ ગ્રાંડ સ્લેમ ટાઈટલ જીતનારી તે પ્રથમ એશિયન મહિલા ટેનિસ ખેલાડી બની છે. એ ઉપરાંત, યુએસ ઓપનની ફાઈનલના 26 વર્ષના ઈતિહાસમાં ફાઈનલમાં પહેલો સેટ હારી ગયા પછી ચેમ્પિયન બની હોય તેવી પણ ઓસાકા પ્રથમ ખેલાડી બની હતી.
તો અઝારેન્કા માટે આ યુએસ ઓપનની ત્રીજી ફાઈનલમાં પણ ટાઈટલનું સપનું અધુરૂં રહ્યું હતું. યુએસ ઓપન પ્રેક્ષકો વિના જ, ખાલી સ્ટેડિયમમાં બાયો-બબલના કડક નિયમો વચ્ચે યોજાઈ હતી.
