શિયાળાનું આગમન થઈ રહ્યું છે ત્યારે અમેરિકાના નવ રાજ્યોમાં છેલ્લાં સાત દિવસમાં કોરોના વાઇરસના કેસોમાં વિક્રમજનક ઉછાળો આવ્યો છે. ઠંડી ઋતુને કારણે લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી રહી છે ત્યારે ખાસ કરીને અપર મિડવેસ્ટ અને વેસ્ટ રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે.
શનિવારે કેન્ટુકી, મિનેસોટા, મોન્ટેના અને વિસ્કોન્સિન સહિતના ચાર રાજ્યોમાં નવા કેસમાં વિક્રમજનક ઉછાળો આવ્યો હતો અને રાષ્ટ્રીય સ્તરે નવા 49,000 કેસ નોંધાયા હતા, જે સાત સપ્તાહમાં શનિવારના સૌથી વધુ કેસ હતા. કેન્સાસ, નેબ્રાસ્કા, ન્યૂ હેમ્પશાયર, સાઉથ ડેકોટા અને વ્યોમિંગમાં પણ ગયા સપ્તાહે નવા કેસોનો રેકોર્ડ બન્યો હતો.
હાલમાં ઘણા રાજ્યોમાં દિવસનું તાપમાન 10 સેલ્સિયસની આસપાસ રહે છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યાં છે કે ઠંડા વાતાવરણથી વાઇરસના ફેલાવામાં વધારો થઈ શકે છે. મોન્ટેનામાં છેલ્લા ચારમાંથી ત્રણ દિવસમાં વિક્રમજનક નવા કેસ નોંધાયા હતા અને અહીંની હોસ્પિટલ્સમાં વિક્રમ સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
વિસ્કોન્સિનમાં છેલ્લાં ત્રણમાંથી બે દિવસમાં નવા કેસોનો વિક્રમ બન્યો હતો અને શનિવારે હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીની સંખ્યા વિક્રમજનક રહી હતી. સરેરાશ ધોરણે 22 ટકા ટેસ્ટ પોઝિટિવ આવે છે, જે દેશમાં સૌથી ઊંચો પોઝિટિવિટી રેટ છે.
નોર્થ ડેકોટા, સાઉથ ડેકોટા અને વિસ્કોન્સિનમાં દેશમાં સૌથી વધુ માથાદીઠ કેસ છે. સપ્ટેમ્બરના મધ્યમાં અમેરિકામાં સરેરાશ ધોરણે દરરોજ 35,000 નવા કેસસ અને 800 મૃત્યુ નોંધાતા હતા, આ સંખ્યા હવે વધીને અનુક્રમે 42,600 કેસ અને 700 મૃત્યુની થઈ છે. ઘણા સપ્તાહ સુધી કોરોના કેસોમાં વિક્રમજનક વધારો નોંધાવનારુ કેન્ટુકી દક્ષિણ અમેરિકાનું પ્રથમ રાજ્ય છે. છેલ્લાં બે સપ્તાહમાં હોસ્પિટાઇઝેશનમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.