અમેરિકા જાન્યુઆરી મહિનાના અંતથી લઈને અત્યાર સુધીમાં 127 દેશોમાંથી 71,000થી વધુ અમેરિકન નાગરિકોને સ્વદેશ પરત લાવી ચૂક્યું છે, છતાં હજી મોટી સંખ્યામાં લોકો પરત ફરવા રાહ જોઈ રહ્યા છે અને તેમાં ભારત તથા પાકિસ્તાનમાં અટવાયેલા અમેરિકન્સની સંખ્યા ઘણી મોટી છે.
અમેરિકાના વિદેશ ખાતાના પ્રવકત્તા મોર્ગન ઓર્ટાગસે આપેલી વિગતો મુજબ 750 ફલાઈટ્સમાં અત્યારસુધીમાં 71,538 અમેરિકન્સને વિવિધ દેશોમાંથી સ્વદેશ પરત લવાયા છે. તો કોન્સ્યુલર અફેર્સના વિભાગમાં પ્રિન્સિપાલ ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઈયાન બ્રાઉનલીએ જણાવ્યું હતું કે, દક્ષિણ તથા મધ્ય એશિયાના વિસ્તારના દેશોમાં, ખાસ કરીને પાકિસ્તાન તથા ભારતમાં અટવાયેલા અમેરિકન નાગરિકો દ્વારા મોટી સંખ્યામાં સ્વદેશ પરત ફરવા માટે સહાયની વિનંતીઓ મળેલી છે, જે હજી પડતર છે.
હવે અમેરિકાએ આગામી દિવસોમાં વધુ 63 સ્પેશિયલ ફલાઈટ્સનું આયોજન કર્યું છે અને તેમાં 4,000 જેટલા અમેરિકન નાગરિકો સ્વદેશ પાછા ફરશે. જો કે, આ અધિકારીએ જણાવ્યા મુજબ ભારતથી પાછા ફરવા ઈચ્છતા અમેરિકન્સના મામલે વ્યાપક અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, કારણ કે ઈચ્છા વ્યક્ત કર્યા પછી છેલ્લી ઘડીએ અનેક લોકો પાછા ફરવા માટે ઈનકાર કરી રહ્યા છે. ભારતમાં સ્થિતિ એવી છે કે, અમારે દરેક ફલાઈટ માટે પ્રાપ્ય સીટ્સની સંખ્યા સામે વધુ લોકોને કહેવું પડે છે. આ સંજોગોમાં ભારતથી કેટલા લોકો પરત ફરવા ઈચ્છે છે તેની નિશ્ચિત સંખ્યા કહેવી મુશ્કેલ હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.