અમેરિકામાં ડેમોક્રેટિક અને રીપબ્લિકન પાર્ટીના પ્રતિષ્ઠિત સાંસદોએ વોશિંગ્ટનમાં યોજાયેલી ઇમિગ્રેશન સમિટમાં ગ્રીનકાર્ડ સંબંધિત પડતર કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવા માટે અનુરોધ કર્યો હતો. આ મુદ્દો મોટાભાગના ઇન્ડિયન પ્રોફેશનલ્સ અને H-1B વિઝા સંબંધિત મુદ્દાઓને અસર કરે છે.
ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા (FIIDS) દ્વારા યુએસ કેપિટોલ ખાતે યોજાયેલી આ પ્રકારની પ્રથમ ટેક ઇમિગ્રેશન સમિટમાં સાંસદોએ વિદેશી શ્રમિકોને વિશેષ શ્રેણીમાં ગ્રીનકાર્ડ અથવા કાયદેસરના કાયમી નિવાસની મંજૂરી આપવામાં આવે ત્યારે દેશ દીઠ સાત ટકાની મર્યાદા દૂર કરવા દબાણ કર્યું હતું. કાર્યવાહી નહીં કરાય તો ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સને ગ્રીનકાર્ડ માટે રાહ જોવાનો સમય 20થી વધુ વર્ષનો થશે અને ઘણા કિસ્સામાં તો તે 70થી વધુ વર્ષનો થશે. અમેરિકામાં ઇમિગ્રન્ટ્સને કાયમી નિવાસના અધિકારના પૂરાવા માટે ગ્રીનકાર્ડ અધિકૃત રીતે પર્મેનન્ટ રેસિડેન્ટ કાર્ડ ગણાય છે.
કોંગ્રેસમેન અને કોંગ્રેસનલ ઇન્ડિયા કૌકસના સહઅધ્યક્ષ રો ખન્નાએ તાર્કિક ઇમિગ્રેશન નીતિ બનાવવાનો આગ્રહ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, “આપણે જાણીએ છીએ કે, સિલિકોન વેલીના નિર્માણમાં ઇમિગ્રન્ટ્સે મદદ કરી હતી. આથી ભારત, ચીન, એશિયા, મધ્ય પૂર્વ અને યુરોપના ઇમિગ્રન્ટ્સ દ્વારા સ્થાપિત ઘણી કંપનીઓએ મોટી સંખ્યામાં જોબ્સનું સર્જન શરૂ કર્યું હતું.” અત્રે ઉલ્લેખનીય છે કે, રો ખન્નાએ ઇગલ એક્ટનું નેતૃત્વ કર્યું હતું અને તેની રજૂઆતમાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. કોંગ્રેસમેન એરિક સ્વાલવેલે જણાવ્યું હતું કે, કેલિફોર્નિયામાં તેમના વિસ્તારના 40 ટકા મતદારો અમેરિકાની બહાર જન્મેલા છે. અન્ય ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદારે જણાવ્યું હતું કે, અમેરિકન ઇમિગ્રેશન સીસ્ટમ ભાંગી પડી છે.
FIIDS ના ખંડેરાવ કાંડેએ જણાવ્યું હતું કે, મોટી ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનોલોજી ક્ષેત્રમાં ઇમિગ્રન્ટ્સ અગ્રેસર છે. અમે કોંગ્રેસમાં જે બિલ્સ પડતર છે તે અંગે પણ ચર્ચા કરી હતી.