અમેરિકાના વગદાર સંસદ સભ્યોએ ગ્રીનકાર્ડ વેઇટીંગ લિસ્ટમાં રાહ જોઈ રહેલા એચ-1બી વીઝાધારકોના અંદાજે 200,000 જેટલા સંતાનોને એકસ્ટ્રાડિશન (દેશનિકાલ) થી બચાવવા જરૂરી પગલાં લેવા બાઇડેન વહીવટીતંત્રને અનુરોધ કર્યો છે. ગ્રીનકાર્ડ વેઇટીંગ લિસ્ટ પૂરું કરવામાં કેટલાક દાયકા નીકળી જાય તેવી ધારણા છે. આવા અસરગ્રસ્તોમાંથી મોટા ભાગના ભારતીય અમેરિકન પરિવારોના સંતાનો છે.
ભારતીય અમેરિકન સાંસદ ડો. અમી બેરા, કોંગ્રેસ વુમન દેબોરાહ રોસ સહિત 36 કોંગ્રેસી સભ્યોએ આ મામલે હોમલેન્ડ સીક્યુરિટી ડીપાર્ટમેન્ટ સેક્રેટરી મેઓર્કાસને પત્ર પાઠવીને લાંબા ગાળાના વીઝા ધારકોના આશ્રિતો તરીકે અમેરિકામાં જ ઉછરેલા બાળકો અને યુવા વયસ્કોને સમાવે તે રીતે ડીએસીએ માપદંડો સુધારવા તથા જે તે દસ્તાવેજીત ડ્રીમરની વયનું ધોરણ જે તે અરજદારની સ્ટેટસ માટે અરજી વખતે નડે નહીં તે પણ જોવા જણાવ્યું છે.
દેબોરાહ રોસે મેડીસીન તથા અમી બેરાએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી મેડીસીન ઇજનેરી સહિતના ક્ષેત્રે કામ કરવા આવેલા ઇમિગ્રન્ટ્સના કારણે અમેરિકાને મબલખ લાભ મળ્યો છે. આવા કુશળ કર્મીઓના 2,00,000 જેટલા સંતાનો અમેરિકાને જ તેમનું ઘર માનીને મોટા થયા છે તથા તેમની સામે દેશનિકાલ તથા પરિવારથી વિખૂટા પડવાનું જોખમ ઉભું થાય તો તેમને તેમની સામે રક્ષણ મળવું જોઈએ. બેરાએ વધુમાં ઉમેર્યું હતું કે, નોન-ઇમિગ્રન્ટ વીઝાધારકોના અમેરિકામાં ઉછરી રહેલા આશ્રિતોને રક્ષણ આપવા બાઇડેન તંત્રને પગલાં ભરવા તેમણે ગૃહના સભ્યો સાથે કવાયત હાથ ધરી છે.
અમેરિકન શિક્ષણ વ્યવસ્થામાં જ શિક્ષિત બનીને સ્નાતક થયેલા આવા ઉત્કૃષ્ટ “સ્ટેમ ગ્રેજ્યુએટ્સ” દાયકા લાંબા બેકલોગને કારણે 21 વર્ષના થઇ જતાં હંગામી વીઝા સ્ટેટસ માટેની તેમની લાયકાત માટે મોટી ઉંમરના થતાં તેમની સામે કાયમી વસવાટ માટે કોઇ રસ્તો રહેશે નહીં. આવા સંજોગોમાં આવા લોકોને તેમના જન્મમાત્રના દેશમાં પાછા ના ફરવું પડે કે પરિવારથી વિખૂટા ના પડવું પડે તેનું ધ્યાન રાખવું રહ્યું.આવા જ કેટલાક અસરગ્રસ્ત યુવા લોકો અને તેમના એક સંગઠનના સભ્યોએ તાજેતરમાં અમેરિકન સાંસદો સમક્ષ આ તોળાઈ રહેલા એક્સટ્રાડિશનના પગલાં સામે રક્ષણ માટે રજૂઆતો પણ કરી હતી.