legal immigration system is introduced in the US House
(istockphoto.com)

અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં કોંગ્રેસમાં સત્તારૂઢ ડેમોક્રેટિક પાર્ટીના પાંચ ઇન્ડિયન અમેરિકન સભ્યો ચૂંટાયા છે, તો સાથે સાથે દેશની વિવિધ સ્ટેટ લેજિસ્લેચર્સમાં પણ ભારતીય મૂળના ઓછામાં ઓછા 16 લોકો ચૂંટાયા છે. આમ, વધુ ઇન્ડિયન અમેરિકન્સ સ્થાનિક રાજકારણમાં સફળ થઈ રહ્યા છે.

જે લોકો સ્ટેટ લેજિસ્લેચર્સ ચૂંટાયા છે તેમાં વર્મોન્ટ સ્ટેટ સેનેટમાં કેશા રામ હિન્ડ્સડેલ વિજેતા થયા હતા. અનિતા સોમાણી (ડેમોક્રેટ) ઓહાયો હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સની 11મી ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટાયા હતા. તેઓ રીપબ્લિકન હરિફ ઓમર તારાઝી કરતા 59 ટકા કરતા વધુ મતે ચૂંટાયા હતા.

અરવિંદ વેંકટે, સ્ટેટ હાઉસ પેન્સિલવેનિયામાં 55.2 ટકા મત મેળવીને રીપબ્લિકન હરિફ સિન્ડી કિર્કને હરાવ્યા હતા, તેમને 44.8 ટકા મત મળ્યા હતા.

પેન્સિલવેનિયાના 194મા ડિસ્ટ્રિક્ટમાં તારિક ખાન 90.8 ટકા વોટ સાથે ચૂંટાયા છે. જ્યોર્જિયામાં 105મી ડિસ્ટ્રિક્ટમાંથી 51.8 ટકા વોટ સાથે ફારુખ મુચ્છલ ચૂંટાયા છે. જેરેમી કૂની ન્યૂયોર્ક સ્ટેટ સેનેટમાં 56મી ડિસ્ટ્રિક્ટમાં 54 ટકા મત સાથે ચૂંટાયા છે. જેનિફર રાજકુમારે ન્યૂયોર્ક સ્ટેટની 38મી ડિસ્ટ્રિક્ટમાં જીતીને પોતાની બેઠક જાળવી રાખી છે.
મેરીલેન્ડમાં હાઉસ ઓફ ડેલિગેટ્સમાં કુમાર બર્વે ફરીથી ચૂંટાયા છે. તેઓ 1991માં સ્ટેટ લેજિસ્લેચરમાં ચૂંટાયેલા પ્રથમ ઇન્ડિયન અમેરિકન હતા.

નોર્થ કેરોલાઈના સ્ટેટ સેનેટર જય ચૌધરી 15મી ડિસ્ટ્રિક્ટમાં ચૂંટાયા છે. તેમણે રીપબ્લિકન હરિફને 67.3 ટકા મત મેળવીને હરાવ્યા છે.

સ્ટેટ હાઉસ આયોવામાં મેગન શ્રીનિવાસનો 63 ટકા મત સાથે વિજય થયો હતો. એરિઝોનાની સ્ટેટ સેનેટમાં પ્રિયા સુંદરેશન 54 ટકા મત સાથે વિજેતા રહ્યા હતા. સલમાન ભોજાણી સ્ટેટ હાઉસ ટેક્સાસમાં 58 ટકા મત મેળવી ચૂંટાયા હતા. મિશિગન સ્ટેટ હાઉસમાં ભૂતપૂર્વ સભ્ય સામ સિંઘ 55.7 ટકા મત સાથે ફરીથી વિજેતા થયા હતા. બિઝનેસમેનમાંથી રાજનેતા બનેલા ડેમોક્રેટ શ્રી થાનેદાર મિશિગનમાંથી કોંગ્રેસમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે રીપબ્લિકન ઉમેદવાર માર્ટેલ બિવિંગ્સને હરાવ્યા હતા.

67 વર્ષના થાનેદાર અત્યારે મિશિગનમાં ત્રીજા ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે. બાંગ્લાદેશી-અમેરિકન નબિલાહ ઇસ્લામ જ્યોર્જિયા સ્ટેટ હાઉસમાં વિજેતા થયા છે. સ્ટેટ હાઉસ ટેકસાસમાં સુલેમાન લાલાણી 57 ટકા મત મેળવીને વિજેતા થયા હતા. વોશિંગ્ટન સ્ટેટ હાઉસમાં મનકા ધિંગરા 63.2 મત મેળવીને વિજેતા થયા હતા, તેમના હરીફ રાઇકા હૂશાંગને 36.6 ટકા મત મળ્યા હતા. કેવિન ઓલિકલ ઇલિનોઇ સ્ટેટ હાઉસમાં 69.9 મત સાથે વિજેતા થયા હતા.
કેટલાક ઇન્ડિયન અમેરિકન્સનો આ મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પણ થયો છે. એમાં પેન્સિલવેનિયા સ્ટેટ હાઉસમાં એન્ના થોમસની એક હજાર કરતા પણ ઓછા મતે, જ્યોર્જીઆ સ્ટેટ હાઉસમાં ઓમ દુગ્ગલ, ફ્લોરિડા સ્ટેટ હાઉસમાં ઋષિ બગ્ગા, સંદીપ શ્રીવાસ્તવનો ટેક્સાસમાં યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવની ડિસ્ટ્રિક્ટ 3માં પરાજય થયો હતો. મિશિગન સ્ટેટ સેનેટમાં પદ્મા કુપ્પાની ખૂબ જ ઓછી સરસાઈથી હાર થઇ હતી. કનેકટિકટમાં ટ્રેઝરરની સ્પર્ધામાં રીપબ્લિકન હેરી અરોરાને 45 ટકા મત મળ્યા છતાં તેનો પરાજય થયો હતો.

LEAVE A REPLY