અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવાના કારોબારમાં પણ માઇક્રોસોફ્ટ અને એડોબના સીઇઓ જેવા ઈન્ડિયન અમેરિકન કોર્પોરેટ માંધાતા મોટા નાણાકીય રોકાણ સાથે મોખરે છે. દેશની પ્રથમ પ્રોફેશનલ ટી-20 લીગના પ્રારંભ માટે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નદેલા અને એડોબના સીઇઓ શાંતનું નારાયણે આ લીગમાં 120 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.
મેજર લીગ ક્રિકેટ (MLC)એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેને અમેરિકાના અગ્રણી બિઝનેસ લીડર્સની આગેવાની હેઠળ 44 મિલિયન ડોલરના સિરિઝ A અને A1 ભંડોળ એકત્ર કરવાનો પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પૂરો કર્યો છે. આ ઉપરાંત આગામી 12 મહિનામાં વધુ ભંડોળ એકત્ર કરવાની કવાયતમાં 76 મિલિયન ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા પણ મળી છે. અમેરિકાની પ્રથમ પ્રોફેશનલ ટી-20 લીગના પ્રારંભ માટે 120 મિલિયન ડોલરથી વધુના ભંડોળનો ઉપયોગ કરવાની યોજના છે.
સીરીઝ A અને A1ના ભંડોળ એકત્ર કરવાના રાઉન્ડમાં MLCના પ્રારંભિક ભંડોળ (સીડ ફંડિંગ રાઉન્ડ)નો પણ સમાવેશ થાય છે. આ રાઉન્ડમાં નદેલા સહિતના અગ્રણીઓએ રોકાણ કર્યું છે.
મેજર લીગ ક્રિકેટના સહ-સ્થાપકો સમીર મહેતા અને વિજય શ્રીનિવાસને જણાવ્યું હતું કે “પ્રસિદ્ધ રોકાણકારોના ગ્રુપે માતબર ભંડોળની પ્રતિબદ્ધતાથી મેજર લીગ ક્રિકેટ ફર્સ્ટ ક્લાસ ફેસિલિટી ઊભી કરી શકશે તથા વિશ્વના સૌથી મોટા સ્પોર્ટસ માર્કેટમાં વર્લ્ડ-ક્લાસ ક્રિકેટ લાવીને અમેરિકામાં ક્રિકેટના વિકાસને વેગ આપી શકશે.’’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઇન્વેસ્ટર્સ ગ્રુપમાં અગ્રણી બિઝનેસ એક્ઝિક્યુટિવ અને સફળ ટેકનોલોજી એન્ટ્રપ્રનર્સનો સમાવેશ થાય છે, તેઓ વિશ્વની કેટલીક સૌથી નામાંકિત અને મોટા ગજાની કંપનીઓના વડા છે. તેઓ ટી-20 લીગની એમએલસીની યોજનાને સપોર્ટ કરવા વિશાળ અનુભવ અને કુશળતા ધરાવે છે.
નદેલાએ જણાવ્યું હતું કે ભારતમાં ઉછેર થયો હોવાથી ક્રિકેટ માટે મને પણ લગાવ છે. ક્રિકેટ રમવાથી મારામાં ટીમભાવના અને નેતૃત્વના ગુણનો વિકાસ થયો છે, જે મારી કારકિર્દીમાં આજીવન મારી સાથે રહ્યો છે. નદેલા તેમની સ્કૂલની ટીમના સભ્ય તરીકે ક્રિકેટ રમતા હતા. તેમણે જણાવ્યું હતું કે મને ટેસ્ટ ક્રિકેટ જોવાની મજા પડે છે, જે વિશ્વની કોઇપણ રમતનું સૌથી લાંબું સ્વરૂપ છે.
MLCએ જણાવ્યું હતું કે તે 120 મિલિયન ડોલરના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરાશે તથા નવી પેઢીના અમેરિકન સ્ટાર ક્રિકેટર્સ તૈયાર કરવા માટે ટ્રેનિંગ સેન્ટર્સ ઊભા કરાશે.
ભંડોળ એકત્ર કરવાના પ્રથમ રાઉન્ડના અન્ય રોકાણકારોમાં મેડ્રોના વેન્ચર ગ્રુપના એમડી સોમા સોમાસેગર, મિલિવેઝ વેન્ચર્સ એન્ડ રોકેટશિપ વીસીના સ્થાપક પાર્ટનર્સ આનંદ રાજારમણ અને વેન્કી હરિનારાયણ, ઇન્ફિનિટી કમ્પ્યુટર સોલ્યુશન્સના ચેરમેન સંજય ગોવિલ, પેરોટ જૈનના મેનેજિંગ પાર્ટનર વગેરેનો સમાવેશ થાય છે.
એડિશનલ સિરિઝ A રાઉન્ડના ઇન્વેસ્ટર્સમાં પ્રીતિશ નિઝવાન, એસેન્ચરના એમડી સંકર કાલિયાપેરુમલ તથા મેટાના ડાયરેક્ટર અને માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ દીઘા સેકરનનો સમાવેશ થાય છે.
MLCને યુએસએ ક્રિકેટે માન્યતા આપી છે. યુએસએ ક્રિકેટ અમેરિકા માટે આઇસીસીનું મેમ્બર છે. યુએસએ ક્રિકેટે ટી-20 લીગના વિકાસ માટે MLCની એક્સક્લૂઝિવ પાર્ટનર તરીકે પસંદગી કરી છે. MLC અમેરિકામાં મેન્સ અને વિમેન્સ ટીમને સમર્થન આપશે તથા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉચ્ચ સ્તરે પહોંચવામાં મદદ કરશે. 2024માં આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે.