ઈન્ડિયન અમેરિકન ડોક્ટર, 43 વર્ષના પીડિયાટ્રીશિયન ડો. ભરત નારૂમાંચીએ ઓસ્ટિનમાં મેડિકલ ઓફીસને બાનમાં લઇ લેડી ડોક્ટરને ઠાર માર્યા બાદ પોતાના ઉપર પણ ગોળીબાર કરી આપઘાત કર્યો હતો. ડો. ભરતને કેન્સર થયાનું તાજેતરમાં નિદાન થયું હતું. તે મુજબ તેમની તકલીફનો ઈલાજ થઈ શકે તેમ નહોતો, કેન્સરથી તેમનું મોત નિશ્ચિત જણાતું હતું. ઓસ્ટિનમાં ચિલ્ડ્રન્સ મેડીકલ ગ્રુપની હોસ્પિટલમાં ગન સાથે ઘૂસી ગયા બાદ ડો. ભરતે કેટલાક લોકોને ગનના જોરે બાનમાં લીધા હતા. કેથેરીન ડોડસન સિવાયના બાન યેનકેન પ્રકારે છટક્યા હતા તો બીજા કેટલાકને જવા દેવાયા હતા.
ઘટનાની જાણકારીથી સ્થળ ઉપર પહોંચેલા “સ્વાત”ના અધિકારીઓએ હુમલાખોરને સમજાવવાના અનેક પ્રયાસો બાદ બિલ્ડીંગમાં પ્રવેશ કર્યો ત્યારે કેથેરીન ડોડસન અને ડો. ભરતના મૃતદેહો ગોળીથી વિંધાયેલા મળી આવ્યા હતા. પોલીસ વિભાગ અને ટ્રાવીસ કાઉન્ટીના મેડીકલ એક્ઝામીનરે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી.