અમેરિકાએ જ્હોન્સન એન્ડ જ્હોન્સન (J&J)ની સિંગલ ડોઝ કોવિડ-19 વેક્સિનને શનિવારે મંજૂરી આપી હતી. અમેરિકામાં મંજૂરી મળી હોય તેવી આ વેક્સિન ત્રીજી છે. અગાઉ ફાઇઝર અને મોડર્નાની કોરોના વેક્સિનને મંજૂરી મળી હતી. આ બંને વેક્સિનના બે ડોઝની જરૂર પડે છે.
અમેરિકાના ટોચના ઇન્ફેક્શીયસ ડીસિઝ ઓફિસર એન્થની ફૌસીએ રવિવારે જણાવ્યું હતું કે તેઓ નવી મંજૂર કરવામાં આવેલી J&Jની કોવિડ-19 વેક્સિન લેશે, કારણ કે તેઓ અમેરિકાના લોકોને વેક્સિન માટે પ્રોત્સાહિત કરવા માગે છે. તેમણે જણાવ્યું હતું કે ત્રણેય વેક્સિન ઘણી સારી છે અને લોકોએ તેમની પાસે ઉપલબ્ધ હોય તે વેક્સિન લેવી જોઇએ.
અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને શનિવારે J&Jની વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. આ પહેલા એજન્સીની નિષ્ણાતોની સમિતિએ આ વેક્સિનની સર્વસંમંતીથી ભલામણ કરી હતી. આ વેક્સિનનો સપ્લાય રવિવાર અથવા સોમવારથી ચાલુ થવાની ધારણા છે.
પ્રેસિડન્ટ જો બાઇડેનને આ નિર્ણયનો આવકાર્યો હતો, પરંતુ ચેતવણી આપી હતી કે નવા વેરિયન્ટ ફેલાઈ રહ્યાં હોવાથી સ્થિતિ હજુ પણ વધુ ખરાબ થઈ શકે છે. તેમણે લોકોને માસ્ક પહેરવા, સોસિયલ ડિસ્ટન્સ રાખવા અને હાથ ધોવાની સલાહ આપી હતી.
J&Jએ વિશ્વમાં આશરે 44,000 લોકો પર પરીક્ષણ કરેલું છે અને તે આશરે 66 ટકા અસરકારક છે. તે કોરોનાથી હોસ્પિટલાઇઝેશન અને મોતને રોકવામાં 100 ટકા અસરકારક છે.
J&Jની વેક્સિનનો વિશ્વમાં વ્યાપક ઉપયોગ થવાની ધારણા છે, કારણ કે તેને નોર્મલ રેફ્રિજરેટર તાપમાનમાં રાખી શકાય છે. તેનાથી ફાઇઝર અને મોડર્નાની વેક્સિન કરતાં તેનું વિતરણ કરવાનું વધુ સરળ છે. આ ઉપરાંત તે સિંગલ ડોઝ વેક્સિન છે.
અમેરિકાની સરકારે 100 મિલિયન ડોઝ ખરીદેલા છે. તે આગામી સપ્તાહે આશરે 3થી 4 મિલિયન ડોઝનું વિતરણ કરવા માગે છે. J&Jએ માર્ચના અંત સુધીમાં કુલ 20 મિલિયન ડોઝ ઉપલબ્ધ કરવાની યોજના બનાવી છે.