સતત ત્રીજા વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને રેકોર્ડ સંખ્યામાં યુએસ વિઝા મળ્યા છે. ભારતમાં યુએસ એમ્બેસીએ સોમવારે જણાવ્યું હતું કે તેને આ ઉનાળામાં જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં “વિક્રમ સંખ્યામાં 90,000થી વધુ સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે. આ ઉનાળામાં વિશ્વભરમાં લગભગ ચારમાંથી એક સ્ટુડન્ટ વિઝા અહીં ભારતમાં જ જારી કરવામાં આવ્યો હતો.
હાલમાં કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ચાલે છે તેના કારણે ઘણા સ્ટુડન્ટ કેનેડાના બદલે અમેરિકા જવાનું પસંદ કરે છે. તેથી અમેરિકાના વિઝા મેળવનારા ભારતીય સ્ટુડન્ટની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.
અમેરિકાએ તેની વિઝા પોલિસીને વધારે સ્ટ્રીમલાઈન કરી છે જેના કારણે અમુક મહિનાઓની અંદર જ 90 હજાર ભારતીય સ્ટુડન્ટ્સને વિઝા ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ગ્લોબલ નેટવર્કિંગ વધારવા અને કલ્ચરલ વિવિધતાનો અનુભવ મેળવવા માટે પણ કેનેડા કરતા અમેરિકાને વધારે પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા પછી વર્ક પરમિટની તકમાં વધારો થયો છે. ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાને વધારે પસંદ કરે છે તેની પાછળ આ પણ એક કારણ છે.
અમેરિકામાં જો બાઈડેન પ્રેસિડન્ટ બન્યા પછી અમેરિકાએ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે પોલિસી અગાઉ કરતા વધારે સરળ બનાવી છે. હવે અમેરિકામાં STEMમાં ડિગ્રી મેળવ્યા પછી યુવાનો અહીં ત્રણ વર્ષ સુધી કામ કરી શકે છે. આ ઉપરાંત ચાલુ વર્ષમાં 10 લાખ ભારતીયોના વિઝાને પ્રોસેસ કરવાનો અમેરિકાએ ટાર્ગેટ રાખ્યો છે.