અમેરિકામાં ફુગાવાનો દર જૂન મહિનામાં વધીને 9.1 ટકા થયો હતો, જે 1981 પછીથી સૌથી ઊંચો ફુગાવો છે, એમ બુધવાર (13 જુલાઈ)એ લેબર ડિપાર્ટમેન્ટના ડેટામાં જણાવાયું હતું. વિશ્વના આ સૌથી મોટા અર્થતંત્રમાં મે મહિનામાં ફુગાવો 8.6 ટકાના દરે હતો. બજારમાં એવી ધારણા હતી કે યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જૂન 2022માં 8.8 ટકાના ઊંચા સ્તરે જશે. આમ માર્કેટની ધારણા કરતાં પણ ફુગાવામાં વધુ વધારો થયો છે.
મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી જતા અનેક અર્થશાસ્ત્રીઓના અનુમાનો ખોટો પડ્યા હતા. અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ દેશમાં મોંઘવારી કાબુમાં રાખવા માટે વ્યાજદરમાં વધારો કરી રહી હોવા છતાં સફળતા મળી નથી. અમેરિકામાં મોંઘવારી વધવાના સૌથી મહત્ત્વના કારણ પેટ્રોલ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ ઘર ભાડાંમાં સતત ભારે વધારો છે. અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટે 13 જુલાઈએ મોંઘવારીના આંકડા જાહેર કર્યા હતા. લેબર ડિપાર્ટમેન્ટના મતે, જૂનમાં ગયા વર્ષની તુલનામાં કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ 9.1% વધ્યો છે.
ફુગાવામાં સતત વધવાથી ફેડરલ રિઝર્વ બેન્ક તેની નાણા નીતિને કડક બનાવીને વ્યાજદરમાં ફરી વધારો કરે તેવી શક્યતામાં વધારો થયો છે. નિષ્ણાતોના અનુમાન મુજબ ફેડરલ રિઝર્વ આ મહિનાના અંતે વ્યાજદરો ફરી વધારી શકે છે. વ્યાજદર વધારવાથી માર્કેટમાં લિક્વિડિટી ઘટે છે અને તેનાથી મોંઘવારી કાબુમાં રાખવામાં મદદ મળે છે. જો અમેરિકી ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે તો દુનિયાભરના બજારો પર અસર થશે.