ઇન્ટરનેશનલ પોપસિંગર રિહાનાના ટ્વીટથી ભારતના કૃષિ આંદોલનને વૈશ્વિક ફલક મળ્યા બાદ અમેરિકાએ ભારતના કૃષિ કાયદાની પ્રશંસા કરી છે. અમેરિકાએ બુધવારે જણાવ્યું હતું કે શાંતિપૂર્વક આંદોલન કરવું લોકશાહીનું મૂળભૂત અંગ છે તે સ્વીકારીએ છીએ, પરંતુ ભારત દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાનું અમે સમર્થન કરીએ છીએ. તેનાથી ભારતીય માર્કેટની મજબૂતાઈ વધશે અને ભારતમાં ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધશે. તેનાથી ખેડૂતોને ફાયદો થશે.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એકંદરે અમેરિકા ભારત સરકારના કૃષિ કાયદાને આવકારે છે. તેનાથી ભારતીય માર્કેટમાં કાર્યક્ષમતાવધશે અને ખાનગી ક્ષેત્રમાં રોકાણમાં મોટો વધારો થશે.
અમેરિકાનું આ નિવેદન એ વાતનો સંકેત આપે છે કે નવું બાઇડન વહીવટીતંત્ર કૃષિ ક્ષેત્રમાં સુધારો કરવા માટે ભારત સરકારના પગલાને ટેકો આપે છે જે ખાનગી રોકાણ આકર્ષિત કરવું અને બજાર સુધી ખેડૂતોની પહોંચ વધુ કરવા માટે લેવામાં આવ્યા છે.
ભારતમાં ચાલી રહેલા ખેડૂતોનાં આંદોલન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબ આપતા વિદેશ વિભાગે જણાવ્યું હતું કે અમેરિકા એ વાત માટે પ્રોત્સાહિત કરે છે કે પક્ષો વચ્ચે જે કોઈ પણ મતભેદો છે તેને વાતચીત દ્વારા ઉકેલવામાં આવે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે શાંતિપૂર્ણ વિરોધ એ કોઈ પણ સમૃદ્ધ લોકશાહીની ઓળખ છે અને અહીં નોંધવું રહ્યું કે ભારતીય સુપ્રીમ કોર્ટે પણ આવું જ જણાવ્યું છે.