ભારતમાં કોરોના વાઇરસના કહેરને પગલે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને ચાર મેથી અનિશ્ચિત સમયગાળા સુધી ભારતમાંથી ટ્રાવેલ પર નિયંત્રણો મૂક્યા છે. અમેરિકાન આ પ્રતિબંધથી મોટા ભાગના બિનઅમેરિકન નાગરિકોનો અમેરિકામાં પ્રવેશ મુશ્કેલ બનશે. જોકે આ નિયંત્રણોમાં વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને પત્રકારો જેવી કેટલીક કેટેગરીના વ્યક્તિને માફી આપવામાં આવી છે, એમ અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું.
આ પ્રતિબંધમાં અમેરિકાના નાગરિકો (ગ્રીન કાર્ડ હોલ્ડર્સ) તેમના નોન સિટિઝન જીવનસાથી અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માફી આપવામાં આવલી છે. નવા ટ્રાવેલ પ્રતિબંધો અનિશ્ચિત સમયગાળા માટે અને તેનો અંત લાવવા માટે બીજા પ્રેસિડેન્શિયલ પ્રોક્લેમેશનનની જરૂર પડશે. અમેરિકાએ છેલ્લા 14 દિવસથી ભારતમાં રહેતા લોકો પર અમેરિકામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ની ભલામણોને આધારે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોના વાઇરસના દૈનિક 3 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. આ દરમિયાન રિપબ્લિકન સાંસદોએ બાયડનના ભારત પર ટ્રાવેલ પ્રતિબંધ લાદવાના નિર્ણયની ટીકા કરી હતી. સાંસદ ટિમ બર્ચેટે ટ્વિટ કર્યું હતું કે, “મેક્સિકો સાથે સરહદો ખુલ્લી રાખવી અને આપણા સાથી દેશ ભારત પર ટ્રાવેલ બેન લાદવો તે તાર્કિક નથી.” બુર્ચેટ સિવાય, જોડ એરીંગ્ટન અને લોરેન બોએબર્ટ સહિત ઘણા રિપબ્લિકન નેતાઓએ આ પ્રતિબંધોનો વિરોધ કર્યો છે, પરંતુ ભારતીય અમેરિકન સાંસદ રો ખન્ના નિર્ણયને ટેકો આપ્યો છે.