કોરોના મહામારીને પગલે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સની વસતીમાં 2.6%નો ઘટાડો થયો છે, જે છેલ્લા 20 વર્ષમાં સર્વાધિક ઘટાડો છે, એમ કેલિફોર્નિયા મર્સેડ કોમ્યુનિટી એન્ડ લેબર સેન્ટરના અભ્યાસમાં જણાવાયું છે. આ અભ્યાસમાં 60 હજાર અમેરિકી પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા.
આ અભ્યાસમાં જણાવાયું હતું કે આ આંકડામાં દેશમાં કાયદેસર અને ગેરકાયદેસર રહેતા લોકોનો સમાવેશ થાય છે. યુએસ ઇમિગ્રન્ટ્સની વસતીમાં 2020માં આ ઘટાડો તાજેતરના દાયકાનો અસાધારણ છે અને તે 2008-2009ની મહામંદી દરમિયાનના આંકડા કરતાં પણ ઊંચો છે.
કેલિફોર્નિયામાં ઇમિગ્રન્ટ્સની વસતીમાં મહામારીના પ્રથમ 5 મહિનામાં 6.2%નો ઘટાડો નોંધાયો હતો. મહામારીથી સ્થાનિક અર્થતંત્રને મોટું નુકસાન થયું હોવાથી ઘણા ઇમિગ્રન્ટ પોતાના દેશમાં પરત ફર્યા હતા અથવા બીજા રાજ્યોમાં ગયા હતા. આર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ, રીક્રિએશન, હોટલ, ફૂડ જેવા ઉદ્યોગો સાથે જોડાયેલા ઇમિગ્રન્ટ્સ પર મહામારીની સૌથી માઠી અસર થઇ છે.