યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવાર, 14 માર્ચે જંગી બહુમતીથી એક બિલને મંજૂરી આપી હતી. આ બિલની જોગવાઈ મુજબ ટિકટોકના ચાઇનીઝ માલિક બાયટડાન્સને આ શોર્ટ-વીડિયો એપ્લિકેશનની યુએસ એસેટ છ મહિનામાં વેચવી પડશે અથવા તેના પર પ્રતિબંધ આવશે. ટ્રમ્પ વહીવટીતંત્ર પછી ચીની એપ પર અમેરિકામાં હવે સૌથી મોટો ખતરો ઊભો થયો છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ બિલ 352 વિરુદ્ધ 65 મતની જંગી બહુમતીથી પસાર થયું હતું, પરંતુ સેનેટમાં આ બિલની મંજૂરી અંગે અનિશ્ચિતતા છે. સેનેટમાં કેટલાંક સાંસદો રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા કરતી વિદેશી માલિકીની એપ્લિકેશનોને નિયંત્રિત કરવા માટે અલગ અભિગમની તરફેણ કરે છે. સેનેટના બહુમતી નેતા ચક શુમરે કહ્યું કે સેનેટ કાયદાની સમીક્ષા કરશે.
અમેરિકામાં ટિકટોકના યુઝર્સની સંખ્યા આશરે 170 મિલિયન છે અને આ વખતની પ્રેસિડન્ટની ચૂંટણીમાં તે એક મોટો મુદ્દો બને તેવી શક્યતા છે.
પ્રમુખ જો બાઇડન દ્વારા હસ્તાક્ષર કર્યા પછી બિલ હેઠળ કંપનીને કાનૂની પડકાર ફાઈલ કરવા માટે 165 દિવસનો સમય મળશે.
અમેરિકામાં ચૂંટણીના વર્ષમાં રાજકીય નેતાઓ ચીન પ્રત્યે નરમ વલણ દર્શાવવા માગતા નથી. જોકે ઘણા નેતાઓ આ પ્રતિબંધથી યુવા મતદાતાઓને કેવી અસર થશે તેનાથી પણ ચિંતિત છે.
ચીનના વિદેશ મંત્રાલયે આ બિલની ટીકા કરી હતી અને દલીલ કરી હતી કે ટિકટોકથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઊભો થતો હોવાનો અમેરિકાને હજુ કોઈ પુરાવા મળ્યા નથી, તેમ છતાં અમેરિકા ટિકટોકની પાછળ પડી ગયું છે.