અમેરિકાએ એવી આશા વ્યક્ત કરી છે કે, યુક્રેન ઉપરના રશિયન યુદ્ધના અંત માટે તે ભારત સાથે નિકટ રહીને કામ કરી શકશે, કારણ કે, ભારતની નૈતિક સ્પષ્ટતા સાથે વાત કરવાની ક્ષમતા છે, એમ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકત્તા નેડ પ્રાઈસે ગયા સપ્તાહે જણાવ્યું હતું.
ગુરૂવારે (2 માર્ચ) એક પ્રેસ બ્રિફિંગમાં હાલના રશિયન યુદ્ધનો અંત લાવવા માટે ભારત કોઈ ભૂમિકા ભજવી શકે તેમ છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે, “ભારતની એવી ક્ષમતા છે, અમે જોયું છે કે, વડાપ્રધાન મોદી જબરજસ્ત નૈતિક સ્પષ્ટતા સાથે વાત કરી શકે છે.” ગયા વર્ષે મોદીએ એવું કહ્યું કે, “આ યુદ્ધનો યુગ છે જ નહીં”, ત્યારે સમગ્ર વિશ્વએ તેમની વાત કાને ધરી હતી, જે રીતે બધાએ સાંભળવી જોઈએ તે રીતે સાંભળી હતી.
આવું એટલા માટે કે વડાપ્રધાન મોદી અને તેમના દેશે આવું કહ્યું ત્યારે તે અમેરિકા માટે અર્થપૂર્ણ છે, રશિયા માટે અર્થપૂર્ણ છે, નજીકના અને દૂરના દેશો માટે પણ તે અર્થપૂર્ણ છે.
આપણે આપણા ભારતીય સહયોગીઓ સાથે સક્રિયતા જારી રાખીશું કારણ કે તેઓ આ વર્ષે જી-20ના યજમાન છે.
તે ઉપરાંત પણ, એક દેશ તરીકે આપણે તેમની સાથે એક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવીએ છીએ અને ભારત એવી વ્યૂહાત્મક ભાગીદારી રશિયા સાથે પણ ધરાવે છે, જે આપણે (અમેરિકા) ધરાવતા નથી. તે ઉપરાંત, ભારતે સતત એવું વલણ સ્પષ્ટ કર્યું છે કે, આ યુદ્ધનો યુગ નથી અને હોવો પણ જોઈએ નહીં, એમ નેડ પ્રાઈસે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે અમે ભારત સાથે નિકટતાથી કામ કરીશું અને આ યુદ્ધનો, રશિયન આક્રમણનો અંત લાવી શકીશું અને સંયુક્ત રાષ્ટ્રોના ચાર્ટર મુજબનો સુદીર્ઘ અને ન્યાયી ઉકેલ લાવી શકીશું”.
ભારતના રશિયા સાથે ઘણા લાંબા સમયના અને ગાઢ, એવા સંબંધો છે કે અમેરિકાના અનેક બાબતોમાં રશિયા સાથેના એવા સંબંધો નથી. ભારત અનેક ક્ષેત્રોમાં – આર્થિક, રાજકીય તેમજ નૈતિક રીતે પણ શક્તિશાળી રીતે લાભદાયક સ્થિતિમાં છે.
દરમિયાન, અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેને તેમના રશિયન સમકક્ષ સર્ગે લેવરોવને ગયા સપ્તાહે વિનંતી કરી હતી કે, મોસ્કો તેમનો બેજવાબદાર નિર્ણય પરત લે અને નવી સ્ટાર્ટ સ્ટ્રેટેજિક આર્મ્સ રીડકશન ટ્રીટી – વ્યૂહાત્મક અણુ શસ્ત્ર ઘટાડા સંધિ) નો અમલ કરે.
બ્લિન્કેન ગયા સપ્તાહે ભારતમાં નવી દિલ્હીમાં મળેલી જી-20ની બેઠક પ્રસંગે રશિયન વિદેશ પ્રધાન લેવરોવને મળ્યા હતા.રશિયાએ એક વર્ષ પહેલા યુક્રેન ઉપર આક્રમણ શરૂ કર્યા પછી બ્લિન્કેન અને લેવરોવ વચ્ચે આ સૌપ્રથમ રૂબરૂ મુલાકાત હતી. બ્લિન્કેને કહ્યું હતું કે વિશ્વનો દરેક દેશ રશિયાના આ આક્રમણની કિમત ચૂકવી રહ્યો છે.