અમેરિકામાં ગયા વર્ષે કોરોના વાઈરસ વ્યાપક બન્યા પછી સ્કૂલ્સને તાળા વાગ્યા ત્યારે રીચમંડ વિસ્તારમાં ટોર્લેસીએ બેટ્સના પરિવારે બાળકોને હોમ સ્કૂલિંગ વિષે ખાસ કઈં વિચાર્યું નહોતું. શાળાએ જતા તેના બે સંતાનો માટે બેટ્સ એવું વિચારતી હતી કે, રીમોટ સ્કૂલિંગ એટલે કે ઈ લર્નિંગ એક અગવડભર્યો વિકલ્પ છે પણ એ અસુવિધા કામચલાઉ છે. બેટ્સની ધારણા હતી કે, જેવી સ્કૂલ્સ ફરી શરૂ થશે કે તુરત જ તે બાળકોને ફરી સ્કૂલે મોકલતી થશે.
પણ, સંભવત્ જ્યોર્જ ફલોઈડની પોલીસના હાથે હત્યા થયા પછી બેટ્સ ડરી હતી. બેટ્સ એક બ્લેક પરિવારની મહિલા છે. તે પેનિક એટેકનો શિકાર બની હતી. તેને પોતાના પરિવારની સલામતીની ચિંતા થઈ આવી હતી. તે વિચારતી હતી કે, તેના બાળકો જાય છે તે સ્કૂલ વિદ્યાર્થીઓ સાથે રેસિઝમ વિષે વાત કરવા કેપેબલ છે ખરી? થીઓલોજીમાં માસ્ટર્સની ડીગ્રી ધરાવતી બેટ્સ બેંકિંગ ક્ષેત્રમાં મેનેજરની પદવીએ જોબ ધરાવ છે. તે કોલેજમાં પહોંચી ત્યાં સુધી તેને સીસ્ટેમિક રેસિઝમ વિષે કોઈ ખાસ શિક્ષણ મળ્યું નહોતું. તેને એ ચિંતા સતાવતી હતી કે તેના બાળકોને પણ રેસિઝમ વિષે જ્ઞાન મેળવવા તેઓ કોલેજમાં પહોંચે ત્યાં સુધી રાહ જોવી પડશે કે શું? અન્યાયના મૂળ ક્યાં છે તે સમજવા એટલો લાંબો સમય ઈંતેજાર કરવો પડશે કે શું?
તેના ત્રણ સંતાનો – 10 વર્ષના કાયડેન, 8 વર્ષની કેલી અને 3 વર્ષના કેસન માટે રેસિઝમ વિષેની સમજ ખૂબજ મહત્ત્વની છે. બેટ્સના શબ્દોમાં જ કહીએ તો હવે મને નથી લાગતું કે હું ફરી મારા બાળકોને સ્કૂલે મોકલીશ.
આથી જ ગયા વર્ષે સમરમાં બેટ્સે પોતાના મોટા બે સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડી લીધા અને તેમને ઘેર પોતે જ શિક્ષણ આપવાનો નિર્ણય લીધો. અગાઉ તેણે ક્યારેય આવું લગભગ વિચાર્યું જ નહોતું.
2019ના મધ્યથી લઈને હાલના તબક્કા સુધીમાં અમેરિકામાં આ રીતે ગોરા ના હોય તેવા પરિવારોના સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડી લેવાયાનું પ્રમાણ ત્રણ ગણું વધી ગયું છે. વંશીય લઘુમતી સમુદાયના લોકોમાં બાળકો માટે હોમ સ્કૂલિંગની લોકપ્રિયતામાં સ્ફોટક ઉછાળો આવ્યો છે. અમેરિકાના સેન્સસ બ્યુરોના અભ્યાસ અનુસાર, આ વર્ષે મે મહિના સુધીમાં અમેરિકામાં દરેક 12 બાળકોમાંથી એકને ઘેર શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. અને એ વધારા ક્યા વર્ગમાં થયો હતો તેની વિગતો પણ વધુ રસપ્રદ છે તો ચિંતાજનક પણ છે. સામાન્ય રીતે એક એવી છાપ રહી છે કે બાળકોને ઘેર ભણાવવા એ ભદ્ર અને ધનાઢ્ય એવા ગોરા લોકો માટેનો એક વિશેષાધિકાર રહ્યો છે, પણ છેલ્લા બે વર્ષથી ઓછાના સમયગાળામાં આ હોમ સ્કૂલિંગના ચલણમાં વધારો ગોરાઓ નહીં પણ બ્લેક, લેટિન અમેરિકન્સ અને એશિયન અમેરિકન્સના પરિવારોમાં નોંધાયો છે.
બ્લેક વિદ્યાર્થીઓના હોમ સ્કૂલિંગમાં 2019 થી મે 2021ના ગાળામાં દર એક ટકાથી વધીને આઠ ટકાનો થયો હતો, જે છ ગણાથી વધુની વૃદ્ધિ દર્શાવે છે. તો હિસ્પેનિક પરિવારોના સંતાનોમાં આ દર બે ટકાથી વધીને 9 ટકાનો થયો હતો.
શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ માને છે કે, વેક્સિનેશનનું પ્રમાણ વધશે અને કોરોના ચેપના ફેલાવાનો દર ઘટશે તેમ તેમ બ્લેક, લેટિનો તથા એશિયન પરિવારો પોતાના સંતાનોને પાછા સ્કૂલે મોકલવાનો આત્મવિશ્વાસ પાછો મેળવશે. આ સમુદાયના પરિવારો જ હાલમાં પોતાના બાળકોને સ્કૂલે મોકલવામાં સૌથી વધુ ખચકાટ ધરાવે છે. જો કે, આવા સમુદાયોના ઘણા પરિવારોની ચિંતા હવે કોરોના વાઈરસ સંબંધી સલામતીના મુદ્દાથી ક્યાંય આગળ વધી ચૂકી છે.
હવે સ્કૂલ્સ ફરી શરૂ થઈ રહી છે ત્યારે ખાસ તો એશિયન અમેરિકન પરિવારોના સંતાનો – વિદ્યાર્થીઓની ગેરહાજરી વર્તાઈ આવી રહી છે. તેનુ કારણ સ્કૂલ્સમાં શિક્ષણના માધ્યમથી સમાનતા લાવી શકાય તેવી મોટી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ છતાં વાસ્તવિકતા તેનાથી વિપરિત જણાય છે.
અહીં શહેરી વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં પુરતા નાણાંકિય ભંડોળના અભાવે પુરતી સુવિધાઓના વાંધા હોય છે. તે ઉપરાંત અનેક કિસ્સાઓમાં ગોરા શિક્ષકો દ્વારા મોટા ભાગે બ્લેક પરિવારના બાળકોને તોફાની ખપાવી દેવાય છે અને તેમના માતા-પિતા વાલીઓને બાળકોના અભ્યાસ ઉપરાંત આવી બિન શૈક્ષણિક બાબતોની પણ ચિંતા રહેતી હોય છે.
સત્તાવાર આંકડા પણ આવી લાગણી અસ્થાને નહીં હોવાનું દર્શાવે છે. વિદ્યાર્થીઓને શાળામાંથી સસ્પેન્ડ કરવા, કાઢી મુકવા તથા સ્કૂલ એરેસ્ટના કિસ્સાઓમાં બ્લેક અને લેટિનો પરિવારના બાળકોનું પ્રમાણ અયોગ્ય રીતે વધારે રહે છે. એ સંજોગોમાં તેની પાછળ વંશિય ભેદભાવની લાગણી જન્મે તે ખોટું તો નથી જ રહેતું.