અમેરિકામાં ગરમીએ માઝા મુકી છે. ગત સપ્તાહે ઇલીનોય,ઇન્ડિયાના, મિશિગન, આહાયો, વિસકોન્સિન, ફ્લોરિડા સહિતના અડધા ઉપરાંતના અમેરિકમાં ઉષ્ણતામાનનો પારો ઊંચો જતાં હીટવેવની સ્થિતિ સર્જાઇ હતી.અમેરિકાના વેધર વિભાગની આગાહી મુજબ આ બધા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ અસહ્ય બનવાની શક્યતા છે. ટેમ્પરેચર ૧૦૦થી ૧૦૫ ડિગ્રી ફેહરનહીટ(૩૭.૭૭થી ૪૦.૫૫ ડિગ્રી સેલ્સિયસ) જેટલો ઊંચો નોંધાવાની શક્યતા નોંધાઇ હતી.
આ હીટવેવની અસર આશરે 100 મિલિયન લોકોને થવાની શક્યતા છે. આવા કુદરતી કોપનો સામનો કરવા સરકારે તમામ નાગરિકોને ઘરમાં રહેવા અને સતત પાણી પીવાની સલાહ આપી છે. શિકાગોમાં ગત સોમવારની રાતે પ્રચંડ વાવાઝોડા સાથે ભારે તોફાની વરસાદ પણ વરસ્યો હોવાથી વીજળીનો પુરવઠો ખોરવાઇ ગયો હતો.પરિણામે લગભગ ૪,૦૦,૦૦૦(ચાર લાખ) નાગરિકોએ મંગળવાર સુધી અંધકારભયા વાતાવરણમાં રહેવું પડયું હતું. અમેરિકન વેધર સર્વિસે એવો સકેત પણ આપ્યો હતો કે અસહ્ય ગરમી અને ભેજના વધુ પ્રમાણને કારણે મહત્તમ તાપમાન વધીને ૧૦૫ ડિગ્રી ફેહરનહીટ(અંદાજે ૪૧ ડિગ્રી સેલ્સિયસ) જેટલો ઉકળતો નોંધાય તેવી પણ સંભાવના છે. અધૂરામાં પૂરું આ તમામ વિસ્તારોના ગગનમાં સૂર્યનાં બળબળતાં કિરણો ફેલાઇ જવાથી નાગરિકોને રાહત રહે તેવાં કોઇ જ એંધાણ નથી. ખાસ કરીને જે લોકોનાં ઘરમાં એર કન્ડિશનિંગ સિસ્ટમ નથી તેઓએ તેમનાં આરોગ્યની ખાસ કાળજી રાખવાની જરૂર છે.
શિકોગોમાં તો સરકારી અધિકારીઓએ નાગરિકો માટે છ મોટા કદનાં કૂલિંગ સેન્ટર્સની પણ વ્યવસ્થા કરી છે.ઉપરાંત, નાગરિકોને રાહત રહે તે માટે પાર્ક, લાઇબ્રેરી અને જાહેર સ્થળોએ પણ કૂલિંગ સેન્ટર્સ શરૂ કર્યાં હોવાના સમાચાર મળે છે.
શિકોગોના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી સર્વિસિસ એન્ડ સપોર્ટના ડેપ્યુટી મેનેજિંગ કમિશનર એલીસા રોડ્રીગ્ઝે એવી ચેતવણી પણ આપી છે કે હજી આવતા બે દિવસ તમામ નાગરિકોએ એકબીજાંની ખાસ કાળજી લેવી. અસહ્ય ગરમીને કારણે ટેન્નેસ્સી વેલીમાં વીજળી પુરવઠાની માગ ૩૧,૩૧૧ મેગાવોટ્સ જેટલી વધી ગઇ હતી.