અમેરિકાની સંસદમાં ગયા સપ્તાહે પરિવારના ક્વોટાના ગ્રીન કાર્ડ અને જોબ આધારિત ગ્રીન કાર્ડના હાલના કાયદામાં ફેરફારો સૂચવતા બે મહત્ત્વના બિલના મુદ્દે પ્રગતિ સધાઈ છે. આ બન્ને કે બેમાંથી એક બિલ પણ સંસદની મંજુરી મેળવીને કાયદો બને તો એકંદરે ઈમિગ્રન્ટ્સના પરિવારોને ગ્રીન કાર્ડ ઝડપથી મળવાની શક્યતામાં વધારો થાય છે અને તે રીતે એકંદરે અમેરિકામાં વસતા
અમેરિકાના વીઝા – ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય પરિવારોને તેનાથી મોટો ફાયદો થવાની શક્યતા છે.
પહેલા મહત્ત્વના પગલાંમાં અમેરિકાની કોંગ્રેસની હાઉસ જ્યુડિસિયરી કમિટીએ ગયા સપ્તાહે જોબ આધારિત ગ્રીન કાર્ડ્સ માટેના ક્વોટામાં દેશદીઠ હાલમાં જે સાત ટકાની મર્યાદા અમલમાં છે, રદ કરવાના તથા પરિવાર આધારિત ગ્રીન કાર્ડ્સમાં દેશદીઠ સાત ટકાની હાલની મર્યાદા છે તે વધારીને 15 ટકા કરવાના બિલને મંજુરી આપી છે. આ બિલ હવે પછી પ્રતિનિધિગૃહ (હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સ) માં બહાલી માટે રજૂ થશે અને ત્યાંથી પસાર થાય તો એ પછી તે ઉપલા ગૃહ – સેનેટની બહાલી માટે મોકલાશે. બન્ને ગૃહની મંજુરી મળે તો પ્રેસિડેન્ટ બાઈડેન એને સરળતાથી મંજુરી આપશે અને એ રીતે તે કાયદો બનતા મુખ્યત્ત્વે ભારત અને ચીનના આઈટી પ્રોફેશનલ્સને ઝડપથી ગ્રીન કાર્ડ મળી શકશે.
આ બિલ ઉપર કલાકોની લાંબી ચર્ચા પછી, બુધવારે (6 એપ્રિલ)મોડી હાઉસ જ્યુડિશિયરી કમિટીએ 22 વિરુદ્ધ 14 મતે ઇક્વલ એક્સેસ ટુ ગ્રીન કાર્ડસ ફોર લીગલ એમ્પ્લોયમેન્ટ (EAGLE) એક્ટને બહાલી આપી હતી.
આ બિલ વધુમાં EB-2 અને EB-3 રોજગાર આધારિત વિઝા શ્રેણીઓમાં દેશ દીઠ મર્યાદા નાબૂદ કરવા માટે નવ વર્ષનો સ્થળાંતરનો સમયગાળો રાખવામાં આવ્યો છે. જેમાં ભારત અને ચીન સિવાયના દેશો માટે પ્રથમ નાણાકીય વર્ષમાં 30 ટકા વિઝા હશે અને સાતમા, આઠમા અને નવમા વર્ષમાં પાંચ ટકા વિઝા અનામત રાખવામાં આવશે.
આ ઉપરાંત, કેટલાક વગદાર સાંસદોએ કોંગ્રેસમાં એક બિલ રજૂ કરી વિતેલા એક-બે વર્ષના નહીં વપરાયેલા અને લેપ્સ (રદબાતલ થયેલા) લગભગ 3.80 લાખ ગ્રીન કાર્ડ ફરી રીવાઈવ કરી ગ્રીન કાર્ડ્સનો બેકલોગ દૂર કરવાની દરખાસ્ત ધરાવતું એક બિલ કોંગ્રેસમાં રજૂ કર્યું .
કોંગ્રેસની સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સબ કમિટીના અધ્યક્ષ ઝો લોફગ્રેને રજૂ કરેલા જમ્પસ્ટાર્ટ અવર લીગલ ઇમિગ્રેશન સિસ્ટમ એક્ટ અંતર્ગત પરિવાર પ્રાયોજિત 2.22 લાખ અને રોજગાર આધારિત 1.57 લાખ વણવપરાયેલા વીઝા ફરીથી જારી કરવા સૂચવાયું છે. નવા સૂચિત ફેરફારો અંતર્ગત લીગલ પર્મેનન્ટ રેસીડેન્સનો દરજ્જો મેળવવાપાત્ર ઇમિગ્રન્ટ રહીશ ફી ભરીને આવી ગોઠવણ માટે અરજી કરી શકશે. હાલમાં વીઝા નંબર નહીં હોવાથી આમ થઈ શકતું નથી.
ઝો લોફ્ગ્રેનના બિલના સહપ્રાયોજક હાઉસ જ્યુડિસિયરી કમિટીના અધ્યક્ષ જેરોલ્ડ નાડ્લેર, કોંગ્રેસવુમન જુડી ચુ અને કોંગ્રેસમેન રીચી ટોરેસ છે. ઝો લોફ્ગ્રેને જણાવ્યું હતું કે જમ્પસ્ટાર્ટ અવર લીગલ ઇમિગ્રેશન સિસ્ટમ એક્ટથી ગ્રીનકાર્ડ બેકલોગ ઘટશે અને જે-તે ઇમિગ્રન્ટ્સ તેમના સમુદાયો તથા રાષ્ટ્રીય અર્થતંત્રમાં પૂર્ણ ક્ષમતાથી યોગદાન આપી શકશે. 20મી સદીના મધ્યમાં ઇમિગ્રન્ટ વીઝા ફાળવણીનું મૂળભૂત માળખું બન્યા બાદ 1990માં તેમાં ગંભીરપણે સુધારો કરાયો હતો. તેણીએ જણાવ્યું ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારાની જરૂર છે અને આ વિધેયક સાચી દિશામાંનું પગલું છે. કોંગ્રેસમેન ટોરેસે પણ બિલથી વીઝા બેકલોગ ઘટશે તેમ જણાવ્યું હતું.