કોરોના વાઇરસ મહામારીને કારણે તમામ સેક્ટર પર પ્રતિકૂળ અસર પડી છે. જો કે ઇ-કોમર્સ કંપનીઓને સૌથી ઓછી અસર જોવા મળી છે. કોરોના મહામારીને પગલે ઓનલાઇન ખરીદીનું ચલણ વધતા ઇ કોમર્સ કંપનીઓનો બિઝનેસ ઝડપથી પાટા પર આવી રહ્યું છે.
આ દરમિયાન વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 1.2 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે વોલમાર્ટ ફ્લિપકાર્ટની પિતૃક કંપની છે. તેણે ફ્લિપકાર્ટનું મૂલ્ય 24.9 બિલિયન ડૉલર આંક્યું છે.વોલમાર્ટ ચાલુ નાણાકીય વર્ષ(2020-21)માં બે અલગ અલગ ભાગમાં રોકાણ કરશે. આ રોકાણ ફ્લિપકાર્ટ જૂથમાં કરવામાં આવશે જેમા ફ્લિપકાર્ટ ઉપરાંત ફોન પે, મિંત્રા અને ઇકાર્ટ પણ સામેલ છે. ભારતમાં ફ્લિપકાર્ટની સીધી ટક્કર એમેઝોન સાથે છે. રિલાયન્સ જીયો પણ જીયોમાર્ટ દ્વારા ઝડપથી ઇકોમર્સ સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
2018માં વોલમાર્ટે ફ્લિપકાર્ટને હસ્તગત કરી લીધી હતી. વોલમાર્ટે તે સમયે ફ્લિપકાર્ટનું મૂલ્ય 21 બિલિયન ડોલર આંકવામાં આવ્યું હતું અને વોલમાર્ટે તે સમયે ફ્લિપકાર્ટમાં 16 બિલિયન ડોલરનું રોકાણ કર્યુ હતું. વોલમાર્ટ પાસે ફ્લિપકાર્ટની 70 ટકાથી વધુ હિસ્સેદારી છે. નવા રોકાણ પછી તેની હિસ્સેદારી એક ટકા સુધી વધી જશે. ફ્લિપકાર્ટમાં વોલમાર્ટ ઉપરાંત ટાઇગર ગ્લોબલ અને ટેનસેન્ટ જેવી કંપનીઓની પણ હિસ્સેદારી છે.