યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી પેસિફિકના કમાન્ડિંગ જનરલ જનરલ ચાર્લ્સ એ. ફ્લાયને બુધવારે જણાવ્યું હતું કે, લદાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાર ચીની ગતિવિધિ “આંખ ઉઘાડનારી” અને ચિંતાજનક છે. તેમણે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને પણ “ખતરનાક” ગણાવ્યું હતું. ચીનની ગતિવિધીઓ જોખમી અને ચિંતાજનક છે. પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડમાં બનાવવામાં આવી રહેલા કેટલાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચિંતાજનક છે. કોઈકે તો સવાલ કરવો પડશે કે તેઓ આ શા માટે કરી રહ્યા છે અને એની પાછળ તેમનો ઈરાદો શું છે.”
ફ્લાયને પત્રકારોના જૂથ સાથેની વાતચીત દરમિયાન લદાખ અંગે એકંદર પરિસ્થિતિ પરના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. ગલવાન ખીણના સંઘર્ષથી બંને દેશોની સેનાઓ એલએસી પર એકબીજાનો સામનો કરી રહી છે અને કેટલાક ઘર્ષણવાળા વિસ્તારોમાંથી સૈનિકોને હટાવવામાં આંશિક સફળતા પણ મળી છે.
ભારતની ચાર દિવસીય મુલાકાતે આવેલા યુએસ જનરલે મંગળવારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ સંબંધિત મુદ્દાઓ પરત્વે ચર્ચા કરી હતી. મિલિટ્રી ઓપરેશન્સના ભૂતપૂર્વ મહાનિર્દેશક લે. જનરલ વિનોદ ભાટિયા (નિવૃત્ત)એ જણાવ્યું હતું કે ચીને લાંબા સમયથી તિબેટમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે અને તેઓ તેને સતત અપગ્રેડ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે “સીમાના મુદ્દાઓને લઈને અમારી વચ્ચે ગંભીર મતભેદો છે. આ મતભેદોને રાજકીય, રાજદ્વારી અને લશ્કરી વાતચીત દ્વારા ઉકેલવાની જરૂર છે”. ભાટિયાએ કહ્યું હતું કે LAC પર ભારતની સૈન્ય ક્ષમતાઓ ચીનની સમકક્ષ છે.