અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની અમેરિકન ધરતી પર કથિત રીતે હત્યા કરવાની યોજનાને નિષ્ફળ બનાવી હતી. બુધવારે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે સરકાર અમેરિકન ધરતી પર એક શીખ અલગતાવાદીને મારી નાખવાના કાવતરાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. અને તેને આ મુદ્દો ભારત સરકાર સાથે “સૌથી વરિષ્ઠ સ્તરે” ઉઠાવ્યો છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું હતું કે તે “સંગઠિત ગુનેગારો, બંદૂક ચલાવનારાઓ, આતંકવાદીઓ અને અન્યો વચ્ચેની સાંઠગાંઠ” પર યુએસ ઇનપુટ્સની તપાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારત આવા ઇનપુટ્સને ગંભીરતાથી લે છે કારણ કે તે આપણા પોતાના રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પણ અસર કરે છે. યુએસ ઇનપુટ્સના સંદર્ભમાં સંબંધિત વિભાગો તપાસ કરી રહ્યાં છે.
અગાઉ ફાઈનાન્સિયલ ટાઈમ્સે અજ્ઞાત સ્ત્રોતોનો ટાંકીને અહેવાલ આપ્યો હતો કે યુએસએ પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરા અંગેની ચિંતાઓ અંગે ભારતને જાણ કરી છે. અહેવાલમાં જણાવાયું છે કે યુએસ સત્તાવાળાઓએ નવી દિલ્હીની સરકારની ભુમિકા અંગેની ચિંતાઓ અંગે ભારતને ચેતવણી પણ આપી હતી.
પન્નુન અમેરિકા અને કેનેડાનું બેવડા નાગરિકત્વ ધરાવે છે.
અગાઉ કેનેડાએ જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો ગંભીર આક્ષેપ કર્યો હતો. હવે અમેરિકા આવી માહિતી આપી રહ્યું છે. સોમવારે ભારતની એન્ટી-ટેરર એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પન્નુન સામે કેસ દાખલ કર્યો હતો, તેના પર આરોપ મૂક્યો હતો કે તેણે સોશિયલ મીડિયા સંદેશાઓ જારી કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે એર ઇન્ડિયામાં મુસાફરી કરતાં લોકો જોખમમાં છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 19 નવેમ્બરે એર ઈન્ડિયાને ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.