અમેરિકામાં 5G મોબાઇલ સર્વિસના પ્રારંભને કારણે બુધવાર, 19 નવેમ્બરે વિશ્વભરની અગ્રણી ઇન્ટરનેશનલ એરલાઇન્સે અમેરિકા માટેની તેમની ફ્લાઇટ રદ કરી હતી અથવા વિમાનમાં ફેરફાર કર્યો હતો. 5G મોબાઇલ સર્વિસથી વિમાનની કમ્યુનિકેશન ટેકનોલોજીમાં દખલ થતી હોવાની ચિંતાને પગલે આ એવિયેશન ક્ષેત્રની અસાધારણ સમસ્યા ઊભી થઈ હતી.એર ઇન્ડિયાએ બુધવારથી ન્યૂ યોર્ક, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, નેવાર્ક સહિતના શહેરોની ફ્લાઇટ રદ કરી છે.
ભારતની એર ઇન્ડિયા, દુબઈની એમિરાટ્સ, જર્મનીની લુફ્થાન્સા, બિટિશ એરવેઝ, જાપાન એરલાઇન્સ, ઓલ નિપ્પોન એરવેઝ, કોરિયન એર, હોંગકોંગની કેથે પેસિફિક, ઓસ્ટ્રેલિયન એરલાઇન્સ સહિતની વિશ્વભરની એરલાઇન્સે અમેરિકા માટેની ફ્લાઇટ રદ કરવી પડી છે, અથવા વિમાન બદલવા પડ્યા છે.
કેટલીક એરલાઇન્સે જણાવ્યું હતું કે તેમને ચેતવણી આપવામાં આવી હતી કે ખાસ કરીને બોઇંગ 777ને નવી હાઇ સ્પીડ વાયરલેસ સર્વિસને અસર થઈ શકે છે. વિશ્વભરની એરલાઇન્સ ઇન્ટરનેશનલ સર્વિસ માટે મોટાભાગે બોઇંગ 777 વિમાનનો ઉપયોગ કરતી હોય છે. પૂર્વ પશ્ચિમમાં મુસાફરી માટેની અગ્રણી એરલાઇન એમિરેટ્સ સૌથી વધુ આવા વિમાનોનો ઉપયોગ કરે છે અને તેના ફ્લાઇટ શિડ્યુલ્ટને સૌથી વધુ ફટકો પડ્યો હતો.
વિશ્વભરની અમેરિકા માટેની ફ્લાઇટ રદ થવાથી કેવી અવ્યવસ્થા ઊભી થઈ હતી તે હજું સ્પષ્ટ થયું ન હતું. કેટલીક એરલાઇન્સે જણાવ્યું હતું કે તે સર્વિસ જાળવી રાખવા માટે અલગ વિમાનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે.
મોબાઇલ ફોન કંપનીઓ AT&T અને વેરિઝોને અમેરિકાના કેટલાંક એરપોર્ટમાં નવી વાયરલેસ સર્વિસના અમલને મોકૂફ રાખવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ વિશ્વભરની એરલાઇન્સના ફ્લાઇટના સમયપત્રક અસ્તવ્યસ્ત થયા હતા.
યુએસ ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન (FAA) 5G સિગ્નલ સાથેના એરપોર્ટમાં ઉડ્ડયન માટે સંખ્યાબંધ વિમાનોને મંજૂરી આપી હતી, પરંતુ આ યાદીમાં બોઇંગ 777નો સમાવેશ કર્યો ન હતો.
વિશ્વમાં સંખ્યાબંધ દેશોએ 5G મોબાઇલ નેટવર્કનો અમલ કર્યો છે. જોકે ફ્રાન્સ જેવા કેટલાંક દેશોએ એરપોર્ટની નજીક નેટવર્કની ક્ષમતામાં ઘટાડો જેવા પગલાં લીધેલા છે. પરંતુ અમેરિકામાં FAA અને એરલાઇન્સ તથા ફેડરલ કમ્યુનિકેશન કમિશન (FCC)અને ટેલિકોમ કંપનીઓ આમને સામને આવી ગયા છે.5G સર્વિસમાં એક પ્રકારના રેડિયો સ્પેક્ટ્રમનો ઉપયોગ થાય છે. આવા જ સ્પેક્ટ્રમનો ઉપયોગ જમીનથી વિમાન કેટલી હાઇટ પર છે તેનું માપ લેતા રેડિયો એલ્ટીમીટર નામની ડિવાઇસમાં પણ થાય છે. તેનાથી પાઇલટને ઓછી વિઝિબિલિટીમાં પણ વિમાનના લેન્ડિંગમાં મદદ મળે છે.
ફેડરલ કમ્યુનિકેશન કમિશને જણાવ્યું હતું કે 5G બેન્ડનો એર ટ્રાફિકના એરિયામાં સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકાય છે. એટી એન્ડ ટીએ અને વેરિઝોને જણાવ્યું હતું કે તેમના ઇક્વિપમેન્ટ વિમાનના ઇલેક્ટ્રોનિક ઇક્પિવમેન્ટમાં દખલગીરી કરતા નથી.જોકે એફએએના અધિકારીઓને સંભવિત સમસ્યાનું જોખમ લાગ્યું હતું અને ટેલિકોમ કંપનીઓ તેમની સર્વિસને મોકૂફ રાખવા સંમત થઈ હતી.
બુધવારે એમિરાટ્સે જાહેરાત કરી હતી કે 5G મોબાઇલ નેટવર્કના અમલ સંબંધિત સંચાલકીય ચિંતાને કારણે તે અમેરિકાના કેટલાંક શહેરો માટેની ફ્લાઇટને અટકાવી રહી છે. જોકે એરલાઇન્સ લોસ એન્જેલસ, ન્યૂ યોર્ક અને વોશિંગ્ટન માટેની ફ્લાઇટ ચાલુ રાખશે. અમે આ ચિંતાને દૂર કરવા માટે વિમાન ઉત્પાદક કંપનીઓ અને સંબંધિત સત્તાવાળા સાથે ગાઢ સંપર્કમાં છીએ.
જાપાની ઓલ નિપ્પોન એરવેઝે જણાવ્યું હતું કે અમેરિકાની એફએએએ સંકેત આપ્યો છે કે ફાઇવજી વાયવરેસ સર્વિસના રેડિયો વેવ્સથી વિમાનના અલ્ટીમીટર્સમાં દખલ ઊભી થઈ શકે છે. બોઇંગ કંપનીએ તેના બોઇંગ 777 વિમાનનો ઉપયોગ કરતી તમામ એરલાઇન્સ માટે ફ્લાઇટ નિયંત્રણોની જાહેરાત કરી છે અને અમે બોઇંગની આ જાહેરાતને આધારે યુએસ જતી અને ત્યાંથી આવતી કેટલીક ફ્લાઇટ રદ કરી છે અથવા વિમાનમાં ફેરફાર કર્યો છે. કંપનીએ શિકાગો, લોસ એન્જેલસ અને ન્યૂ યોર્ક જેવા શહેરોની 20 ફ્લાઇટ કેન્સલ કરી હતી.
જાપાન એરલાઇન્સે પણ હાલમાં અમેરિકામાં બોઇંગનો ઉપયોગ બંધ કર્યો છે. બુધવારે આ એરલાઇન્સની આઠ ફ્લાઇટને અસર થઈ હતી. જોકે એર ફ્રાન્સે જણાવ્યું હતું કે કંપની અમેરિકાના એરપોર્ટ માટે બોઇંગ 777નું ઉડ્ડયન ચાલુ રાખશે. જોકે એરલાઇન્સે એ સ્પષ્ટતા કરી ન હતી કે બીજી એરલાઇન્સને વિમાનમાં ફેરફાર કર્યો હોવા છતાં તે વિમાનમાં કેમ ફેરફાર કરતી નથી.