મોંઘવારીને ડામવા માટે અમેરિકા અને યુરોપના દેશોમાં વ્યાજદરમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વ બુધવાર, 14 ડિસેમ્બરે વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. આની સાથે અમેરિકામાં વ્યાજદરો 15 વર્ષની ટોચે પહોંચ્યા છે. ચાલુ વર્ષે ફેડએ વ્યાજ દરોમાં સાત વખત વધારો કર્યો છે, જેમાં ચાર વખતના 0.75 ટકાના વધારાનો સમાવેશ થાય છે.
બીજી તરફ રોપીયન સંઘની મધ્યસ્થ બેંક યુરોપિયન સેન્ટ્રલ બેંક (ઈસીબી)એ ૦.૫૦ ટકાનો વધારો જાહેર કર્યો હતો અને હવે અહી ટૂંકાગાળાના વ્યાજના દર બે ટકા થઇ ગયા છે. વ્યાજ દરનો વધારો આગલા ૦.૭૫ ટકા કરતા નરમ હતો પણ બેંકે આગામી દિવસોમાં હજુ વ્યાજ વધારવા પડે, મોંઘવારી સામેની લડત ચાલુ રહે એવી સ્પષ્ટ વાત પોતાના નિવેદનમાં કરી હતી.
ગુરુવારે યુરોપમાં શ્રેણીબદ્ધ વ્યાજ દરના વધારાની જાહેરાત કરવામાં આવી હતી. સૌથી પહેલી જાહેરાત ટેક્સ હેવન ગણાતા સ્વિત્ઝરલેન્ડમાં થઇ હતી. અહી વ્યાજ દર ૦.૫૦ ટકા વધારી ૧ ટકા કરવાની જાહેરાત થઇ હતી. આ પછી નોર્વેમાં ૦.૨૫ ટકા વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. નોર્વેમાં મોંઘવારીનો દર ૬.૫ ટકા જેટલો ઉંચો છે એટલે વ્યાજનો દર વધારી હવે ૨.૭૫ ટકા કરવામાં આવ્યો છે. અહીં નોંધવું જરૂરી છે કે ભારતમાં પણ મોંઘવારી સામેની લડત પૂર્ણ નથી થઇ એવી દલીલ સાથે, ફુગાવો ઘટી રહ્યો હોવા છતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત સપ્તાહે રેપો રેટ ૦.૩૫ ટકા વધારી ૬.૨૫ ટકા કર્યો હતો.
ફેડે ફુગાવા સામેની તેની ઝુંબેશ થોડી હળવી કરી છે, પરંતુ રેટહાઇક ચાલુ રાખ્યો છે. વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં આની સાથે વ્યાજદરમાં આ વર્ષે સતત સાતમી વખતે વધારો થયો છે. તેનાથી વ્યાજસંવેદી હાઉસિંગ જેવા ક્ષેત્રો પર દબાણ આવ્યું છે.
બુધવારના રેટહાઇક સાથે વ્યાજદર હવે 4.25થી 4.50 થયા છે, જે 2007 પછીથી સૌથી ઊંચા છે. જોકે ફેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફુગાવા સામેની લડાઈનો હજુ અંત આવ્યો નથી. ફેડની નીતિ-નિર્ધારક ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)એ એક નિવેદનમાં જણાવાયું હતું કે સમિતિની ધારણા છે કે ફુગાવા પર લગામ લગાવવા માટે પૂરતા પગલાં સુધી પહોંચવા માટે રેટહાઇક યોગ્ય છે. સમિતિની ધારણા છે કે તેનો વ્યાજ દર આવતા વર્ષે અગાઉના અંદાજ કરતાં વધુ હશે. સમિતિએ જણાવ્યું હતું કે ફેડે અમેરિકામાં આર્થિક વૃદ્ધિનો અંદાજ 2023 માટે ઘટાડીને 0.5 ટકા કર્યો છે. દેશમાં ફુગાવો ધારણા કરતાં વધુ ઝડપથી વધી રહ્યો છે. વ્યાજદરમાં વધારાથી કેટલાંક ક્ષેત્રોને નેગેટિવ અસર થઈ રહી છે, પરંતુ નવેમ્બરમાં રિટેલ ફુગાવો થોડો ઘટ્યો હતો.