અમેરિકાના એક ફેડરલ જજે ગયા સપ્તાહે એવો ચુકાદો આપ્યો હતો કે અમેરિકા આવેલા લાખો ઇમિગ્રન્ટસના બાળકોને દેશનિકાલથી બચાવતી ફેડરલ નીતિનું નવું સંસ્કરણ ગેરકાયદે છે. યુ.એસ. ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ્રુ હેનેને ટેક્સાસ અને અન્ય આઠ રાજ્યોની રજૂઆતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, આ રાજ્યોએ DACA પ્રોગ્રામ ફગાવી દેવાનો દાવો કર્યો હતો.
આ ચુકાદાને હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે તેવી અપેક્ષા છે, સુપ્રીમ કોર્ટમાં આ કાર્યક્રમ વિષે અગાઉ બે ચુકાદા અપાયા છે.હેનેને સરકારને કોઈપણ નવી અરજીઓ મંજૂર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ સંભવિત અપીલ પ્રક્રિયા દરમિયાન વર્તમાન પ્રાપ્તકર્તાઓ માટે પ્રોગ્રામ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે તેમના આદેશમાં ફેડરલ સરકારને DACA પ્રાપ્તકર્તાઓ સામે કોઈ પગલાં લેવાની જરૂર નથી.
રાજ્યોએ દાવો કર્યો છે કે ઓબામા વહીવટીતંત્રને 2012માં આ કાર્યક્રમ ઘડવાની સત્તા નહોતી કારણ કે તેણે કોંગ્રેસને બાયપાસ કરી હતી. 2021માં, હેનેનને આ કાર્યક્રમ ગેરકાયદેર જણાયો હતો, તેણે કહ્યું હતું કે તે ફેડરલ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટ હેઠળ જરૂરી જાહેર સૂચના અને ટીપ્પણી અવધિમાંથી પસાર થયો નથી.
બાઈડેન વહીવટીતંત્રે DACA ના નવા સંસ્કરણ સાથે હેનેનની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો જે ઓક્ટોબર 2022 માં અમલમાં આવ્યો હતો અને ઔપચારિક નિયમ બનાવવાની પ્રક્રિયાના ભાગ રૂપે જાહેર ટીપ્પણીઓને આધિન હતો.
પરંતુ 2002માં તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશ દ્વારા નિયુક્ત કરાયેલા યુએસ ડિસ્ટ્રિક્ટ જજને DACA નું અપડેટેડ વર્ઝન હજુ પણ ગેરકાયદે હોવાનું જણાયું હતું. તેમણે અગાઉ કહ્યું હતું કે DACA ગેરબંધારણીય છે અને પ્રોગ્રામ હેઠળ લોકોની સુરક્ષા માટે કાયદો પસાર કરવો તે કોંગ્રેસ પર નિર્ભર છે.