અમેરિકામાં બેકાબુ ફુગાવાને અંકુશમાં લેવા માટે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં છેલ્લાં 28 વર્ષનો સૌથી મોટો 0.75 ટકાનો વધારો જાહેર કર્યો છે. બુધવાર (15 જૂન)એ ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીની બેઠકમાં વ્યાજના દરમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ હતી. આમ માર્ચ મહિના પછી અમેરિકામાં વ્યાજદરમાં 1.50 ટકાનો વધારો થયો છે.
બેન્કો પોતાની પાસે વધારાની રોકડ હોય તે બીજી બેંકને આપે કે બેંક રોકડ મેળવે તેના માટે ફેડરલ ફન્ડ હોય છે જેના વ્યાજમાં અપેક્ષિત વધારો કરવામાં આવ્યો છે. હવે ફેડરલ ફંડના વ્યાજ ૧.૫૦ ટકાથી 1.75 ટકા થશે. મે મહિનાની બેઠકમાં વ્યાજના દર 0.50 ટકાનો વધારો કરાયો હતો.
હાલમાં વિશ્વભરમાં વ્યાજદરમાં વધારો થઈ રહ્યો છે. માર્ચ પછીથી બ્રાઝિલમાં વ્યાજદરમાં 2 ટકા, ભારતમાં 0.90 ટકા. યુકેમાં 0.50 ટકા, ઓસ્ટ્રેલિયામાં 0.75 ટકાનો વધારો થયો છે.ફેડે નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવો હજી ઊંચો છે અને તેના માટે જરૂર પડ્યે વ્યાજના દર વધારવામાં આવશે. અમેરિકામાં ફુગાવાનો દર ચાર દાયકાની સૌથી ઉંચી સપાટી 8.6 ટકાએ છે. ઊંચા ફુગાવાના કારણે અમેરિકામાં સરકારી બોન્ડના યીલ્ડ ૩ ટકા ઉપર ચાલી રહ્યા છે.