અમેરિકામાં પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં ડેમોક્રેટ જો બિડેન ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. 3 નવેમ્બરે યોજાનારા ચૂંટણી માટે બિડેન તથા અન્ય ડેમોક્રેટ્સે 383 મિલિયન ડોલરનું માતબર ફંડ એકત્ર કર્યું છે. આ આંકડો ફક્ત સપ્ટેમ્બર મહિનાનો જ છે. આ બાબતે તેઓ રીપબ્લિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણીએ ઘણા આગળ છે.
બિડેનના કેમ્પેઇન મેનેજર જેન ઓ મેલ્લી ડિલ્લોને ટ્વીટર પર જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરના અંત સુધીમાં કેમ્પેઇન ટીમ પાસે 432 મિલિયન ડોલરની રોકડ હતી, ઓગસ્ટમાં ડેમોક્રેટ્સે 365 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા, જે એક રેકોર્ડ છે. આ અંગે બિડેને આભાર પણ વ્યક્ત કર્યો છે. બીજી તરફ ટ્રમ્પના કેમ્પેઇને સપ્ટેમ્બરમાં એકત્ર કરેલા ભંડોળની કોઇ માહિતી આપી નથી. કહેવાય છે કે, તેઓ ઓગસ્ટમાં 210 મિલિયન ડોલરનું ફંડ મેળવી શક્યા હતા.
રોઇટર્સ-ઇપ્સોસના સર્વેમાં બંને વચ્ચે જોરદાર રાજકીય ટક્કર દર્શાવાઇ છે. 31 ઓગસ્ટ સુધી ડેમોક્રેટ્સ પાસે 466 મિલિયન ડોલર ખર્ચ કરવા માટે હતા જ્યારે રીપબ્લીકન પાસે 325 મિલિયન ડોલર હતા. આ વર્ષની શરૂઆતમાં ડેમોક્રેટ્સ પાસે ખૂબ જ ઓછું ભંડોળ હતું.