અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેને 9-10 ડિસેમ્બરે યોજાનારા લોકશાહી અંગેના વૈશ્વિક સંમેલનમાં 110 દેશોને આમંત્રણ આપ્યું છે. આ વર્ચ્યુઅલ કોન્ફરન્સ પશ્ચિમી દેશો ઉપરાંત ઇરાક, ભારત અને પાકિસ્તાન જેવા દેશોને પણ આમંત્રણ આપ્યું છે, એમ મંગળવારે અમેરિકાના વિદેશ વિભાગની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં યાદીમાં જણાવાયું હતું.
જો કે આ યાદીમાં અમેરિકાના કટ્ટર હરીફ ચીન અને રશિયાનું તથા સાઉદી અરેબિયા નથી. તેમા પણ બાઇડેને ભારતને ખાસ મહત્ત્વ આપ્યું છે. અમેરિકાએ તાઇવાનને આમંત્રણ આપતા ચીન લાલઘૂમ થઈ ગયું છે, જ્યારે તાઇવાન સરકારે બાઇડેન સરકારના આ પગલાનું સ્વાગત કર્યુ છે.
અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો દિનપ્રતિદિન નવા સ્તરે પહોંચી રહ્યા છે. થોડા સમય પહેલા જ અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારે ઉત્સાહથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત જો બાઇડેન અને ભારતીય મૂળના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ સાથે થઈ હતી.ભારતે રશિયા સાથે એસ-400 મિસાઇલનો સોદો કર્યા છતાં પણ ભારતનો હાલમાં અમેરિકામાં એવો દબદબો છે કે કેટલાય અમેરિકન સાંસદોએ ભારત પર પ્રતિબંધ ન લગાવવાની તરફેણ કરી છે.
આ સંમેલનમાં કેટલાક ચોંકાવનારા પગલા એ છે કે અમેરિકાએ તેના પરંપરાગત મિત્ર સાઉદી અરેબિયા, જોર્ડન, કતાર અને યુએઇને આમંત્રણ મોકલ્યું નથી. મધ્યપૂર્વમાંથી ફક્ત ઇઝરાયેલ અને ઇરાકનું જ નામ સામેલ કરવામાં આવ્યું છે. બાઇડેને આ ઉપરાંત બ્રાઝિલના બોલ્સોનારોને પણ આમંત્રણ મોકલ્યુ છે, જે ટ્રમ્પના સમર્થક હતા. જ્યારે પોલેન્ડમાં માનવ અધિકારો અંગે ચિંતા હોવા છતાં તેને આમંત્રણ મોકલાયું છે.